દિલ્હીના વિજય ચૌક પર આર્યન ગેટની પાસે એક બાઇક સવારને પકડી લેવામાં આવ્યો છે. મળતા અહેવાલ મુજબ, યુવક સંસદ ભવનમાં ચાકૂ લઈને ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સંસદ ભવનના સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો અને પોલીસને ફોન કરી દીધો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવક સાથે પૂછપરછ શરૂ કરી દીધી છે. મળતા અહેવાલ મુજબ, યુવકની ઓળખ સાગર તરીકે થઈ છે. તે બાઇક લઈને સંસદ આવ્યો હતો. ત્યારબાદ તે સંસદના ગેટ નંબર ૧ની પાસે રોકાઈને ચાકૂ હવામાં ફેરવવા લાગ્યો. ત્યારબાદ જવાનોએ તાત્કાલીક તેને પકડી લીધો.
મળતી જાણકારી મુજબ, તે પૂર્વ દિલ્હી સ્થિત લક્ષ્મીનગરનો રહેવાસી છે. પેરામિલિટ્રી ફોર્સિસ તરફથી યુવકને નિયંત્રણમાં લીધા બાદ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણકારી આપી.
તેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. દિલ્હી પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે સંદિગ્ધ યુવકની બાઇક પણ જપ્ત કરી લીધી છે.
ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ જાણકારી આપી કે યુવક રામ રહીમના નારા લગાવી રહ્યો હતો. કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો. મળતી જાણકારી મુજબ, યુવક બળજબરીથી મુખ્ય દરવાજાથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને વૉર એન્ડ વાર્ડ ગાડ્ર્સે પોતાના નિયંત્રણમાં લઈ લીધો.