ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. મૃતકોમાં એક જંબુસરનો,એક ભરૂચનો અને એક વિદ્યાર્થી અંકલેશ્વરનો હોવાનું સામે આવી રહ્યું છે. એક્સિડન્ટ અંગે જંબુસર,ભરૂચ અને અંકલેશ્વરમાં સમાચાર ફેલાતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કેનેડામાં અભ્યાસ કરતાં અને એક જ રૂમમાં રહેતા પાંચ મિત્રોમાંથી ચાર રૂમ પાર્ટનર કારમાં વિકેન્ડમાં ફરવા માટે ગયાં હતાં. પરત ફરતી વખતે કારનો ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ભરૂચ,અંકલેશ્વર અને જંબુસરના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. એક્સિડન્ટ અંગે કુમાર નામના રૂમ પાર્ટનર જે ફરવા નહોતો ગયો તેણે મૃતકોના પરિવારને જાણ કરી હતી.
જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતો અને કેનેડામાં અભ્યાસ અર્થે જઈ અકસ્માતમાં મોતને ભેટેલા જેનિશ રાણાએ જુલાઈની ૧૪મીએ ફેસબુકમાં કાર પર સવાર હોય તેવા ફોટો સાથે પોસ્ટ અપલોડ કરી હતી જેમાં લખ્યુ હતું કે લાઈફ ઈઝ ટૂ શોર્ટ ફોર બેડ વાઈબ્સ(ખરાબ વિચારો માટે જીવન બહું ટૂંકુ છે). જેનિના પિતાને બે સંતાનો છે જેમાંથી નાનો દહેજમાં નોકરી કરે છે જ્યારે જેનિશ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે કેનેડા ગયો હતો.