એએમસીમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં મણિનગરની રાજા ભગત સ્કૂલમાં પરીક્ષા આપવા યુવતીને ચાલુ પરીક્ષામાં કાપલી આપવામાં આવી હોવાને લઇ હોબાળો થયો હતો. પરીક્ષામાં દરેક સેન્ટર પર ગુજરાત યુનિવર્સિટીના એક તકેદારી અધિકારી રાખવામાં આવ્યા હતા. કાપલી આપવાના વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના તકેદારી અધિકારીએ સીલબંધ કવરમાં તેમના કમિટીને રિપોર્ટ સોંપ્યો છે. આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. તેઓ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ વિવાદને લઈ યુવતીનું પરિણામ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. ગેરરીતિ સામે આવશે તો ઉમેદવારને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે.
પરીક્ષા સમયે સીસીટીવી ચાલુ રાખવા બાબતે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જો સ્કૂલમાં સીસીટીવી ચાલુ હોય તો રાખવા નહિ તો કોઈ નવી વ્યવસ્થા ઉભી કરવા જાણ કરવામાં આવી નહોતી. દરેક સરકારી ભરતીની લેખિત પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે સીસીટીવી ફરજીયાત રાખવામાં આવે છે. ત્યારે આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શા માટે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા માટેની સૂચના ન આપવામાં આવી તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશનના જ અધિકારીઓ, શાસક પક્ષના નેતાના ઓળખીતાઓ પરીક્ષામાં ગેરરીતિ કરી શકે કે કેમ તે માટે સીસીટીવી બંધ રાખવામાં આવ્યા હતા તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે.