કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ નજીક રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં માલિયાસણના ચાવડા પરિવારની પાંચ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. માલિયાસણ રહેતાં અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતાં ચિરાગ લલીતભાઇ ચાવડાના કાકાજી સસરા રસિકભાઇ બચુભાઇ પરમાર કે જે ખેરડી રહે છે તેમની તબિયત સારી ન હોય ગઇકાલે સાંજે વિનોદ પોતાના એક્ટીવામાં માતા કાંતાબેન લલીતભાઇ ચાવડાને બેસાડી કાકાજીની ખબર કાઢવા ખેરડી ગયો હતો. ચિરાગની સાથે તેના ફઇનો દિકરો માલિયાસણમાં જ રહેતો વિનોદ ધીરૂભાઇ રબારીયા પણ પોતાની પત્ની સંગીતા અને બે બાળકો રાજૂ તથા માનસી (ઉ.૫)ને લઇને ખેરડી ગયો હતો. આ ચારેય બાઇક પર હતાં. ખબર કાઢીને બધા પરત માલિયાસણ આવી રહ્યા હતાં ત્યારે માલિયાસણ નજીક એક કારના ચાલકે વિનોદના બાઇક અને ચિરાગને એક્ટીવાને ઠોકરે લેતાં બંને વાહન પર સવાર છ લોકો ફંગોળાઇ જતાં નાની-મોટી ઇજા થઇ હતી. અકસ્માત સર્જી કારનો ચાલક કાર લઇ ભાગી ગયો હતો. ઘાયલ પૈકીના ચિરાગ ચાવડા તેના માતા કાંતાબેન ચાવડા, ફઇના દિકરા વિનોદ, તેની પત્ની સંગીતા અને પુત્ર માનસી વિનોદ તથા પુત્ર રાજૂ વિનોદને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન પાંચ વર્ષની માનસીનું મોત નીપજ્યું હતું.