અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. અમદાવાદના બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલ સહિત ૪ શખ્સોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના બાદ ભાજપના કોર્પોરેટર માર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ભાજપના કોર્પોરેટર મહેશ પટેલ માર મારતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ ઘટનામાં બોપલ નગરપાલિકાના કોર્પોરેટર મહેશ પટેલે સ્નેહલ પટેલને માર માર્યો હતો. સ્નેહલ પટેલને માથામાં પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતો, જેથી યુવકને માથામાં ટાંકા લેવા પડ્યાં હતા. ઘુમાની આરોહી ક્લબમાં સોસાયટીના વહીવટ બાબતે યોજાયેલી બેઠકમાં યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો.
આ મિટિંગમાં બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલ, સુરેશ જોયતારામ પટેલ, વિકાસ કાંતિલાલ પટેલ, ધર્મેશ પટેલ તેમજ શિવાલિક સોસાયટીમાં રહેતા સ્નેહલ પટેલ હાજર હતા. તે દરમિયાન વહીવટને લઈ સ્નેહલ પટેલ અને મહેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામે ભેગા મળી સ્નેહલ પટેલને માર માર્યો હતો. જેમાં સ્નેહલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ શરૂ કરી છે.