કેન્દ્રિય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પરિવારના સભ્યો સાથે દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચીને ખાસ પુજા કરી હતી. તેમની સાથે પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા. જેમાં તેમના પત્નિનો સમાવેશ થાય છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુર સ્થિત પોતાના આવાસ ઉપર પરિવારના સભ્યો સાથે ગણપતિની પૂજા કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ પોતાના આવાસ પર પૂજા અર્ચના કરી હતી. અમિત શાહ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કર્યા બાદ ગેસ્ટહાઉસમાં ભાજપના નેતાઓ સાથે વાતચીતમાં વ્યસ્ત થયા હતા. ત્યારબાદ અમિત શાહે લાલબાગચા રાજાના દર્શન પણ કર્યા હતા. ફડનવીસે પોતાના આવાસ ઉપર પૂજા અર્ચના કરીને તમામ લોકોને ગણેશ ઉત્સવની શુભકામના આપી હતી. ફડનવીસે પોતાની પુત્રી અને પત્નિ સાથે પૂજા કરી હતી. અમિત શાહની મુંબઇ યાત્રા એવા સમયે આવી છે જ્યારે વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઇ ચુકી છે.
ભારતીય જનતા પાર્ટીએ જનાદેશ યાત્રા શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે તારીખ જાહેર થઇ નથી પરંતુ ભાજપે આચારસંહિતા પહેલા પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંપર્ક અને રેલી મારફતે માહોલ બનાવવા ફડનવીસ સતત સક્રિય થયેલા છે. મહારાષ્ટ્રમાં ૩૨ જિલ્લામાં ફડનવીસની યાત્રા ચાલી રહી છે. ગણેશ ઉત્સવની ધુમ મુંબઇમાં જોવા મળી રહી છે ત્યારે અમિત શાહ સવારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચી ગયા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના પ્રધાનો પણ રહ્યા હતા. અમિત શાહના આગમન પહેલા જ મંદિરમાં તેમના આગમનને લઇને તમામ તૈયારી કરવામાં આવી હતી. અમિત શાહે મદિરમાં ખાસ પુજા કરી હતી. અમિત શાહ થોડાક સમય સુધી મંદિર સંકુલમાં રોકાયા હતા. સાથે સાથે મંદિરના વરિષ્ઠ લોકો સાથે વાતચીત કરી હતી. અમિત શાહ ગઇકાલે સિલવાસામાં હતા. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂટણીને લઇને અમિત શાહ હવે તમામ તૈયારીમાં લાગી ગયા છે. અમિત શાહ એકપછી એક બેઠક કરી રહ્યા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં ચૂંટણીને લઇને શાહ તૈયારી કરી રહ્યા છે. અમિત શાહના કેટલાક કાર્યક્રમ પણ રહેલા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઇ પહોંચી રહ્યા છે. હવે મોદી સહિતના ભાજપના નેતાઓએ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. અમિત સાહ અને મોદી હવે અન્ય કેટલીક વખત પણ મુંબઇ પહોંચીને સભા કરી શકે છે. આની શરૂઆત થઇ ચુકી છે. મોદી મહારાષ્ટ્રમાં સભા કરી રહ્યા છે.