જીવનની સમી સાંજે યાદગાર સાંજોની યાદી જોવી હોય તો આ સાંજ ચોક્કસ જ યાદ કરવી પડે એવી એ સાંજ હતી. ૧૫-૧૬ વર્ષે કવિતા લખવાની શરૃઆત કરનારા અરવિંદભાઈની પ્રથમ કવિતા એ વખતે, કવિલોકમાં પ્રકાશિત થઈ હતી અને ગઈ કાલે તેમના ૬૭મા વર્ષે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. રતિલાલ બોરીસાગરે પોતાના પ્રિય શિષ્યના સર્જનવિશ્વ અને આંતરવિશ્વનો સુંદર ઉઘાડ કરી આપ્યો. અરવિંદ બારોટની કવિતાનો વિશેષ શું છે તે તેમણે ટૂંકમાં તારવી બતાવ્યું. માધવ રામાનુજે પણ કાવ્યસંગ્રહ વિશે સુંદર વાતો કરી. તેમણે કહ્યું કે સમી સાંજના ઠાકર મંદિરની ઝાલરના નાદને કંઠમાં ભરવાની હોંશ લઈને આવેલા કવિની આ રચનાઓમાં લોકકવિની ગરવાઈના સ્પર્શનો ્ણસાર છે. મોસમના પહેલા વરસાદે ભીંજાયેલી માટીની સોડમ, ગોધૂલિ ટાણે રજોટાયેલી ક્ષણોની મ્હેકથી ભર્યું ભર્યું હૈયું છે. શબ્દ એને મન રજોટાયેલા સાડલાવાળી માના હૂંફાળા ખોળા જેવો છે. કુમારપાળ દેસાઈએ મનનીય અને સ્વાધ્યાયી વ્યાખ્યાન કરીને અરવિંદભાઈને વાયક આપ્યું કે આપ વિશ્વકોશ સાથે મળીને લોક સાહિત્ય સંશોધન માટે ધૂણી ધખાવો. જેમના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ થયું એ હરેશ મહેતા (વિદ્યાગુરુ પ્રતિષ્ઠાનના પ્રમુખ)એ અરવિંદભાઈની કવિતામાં રાવજી પટેલ જેવો લોકલય અને વેદના-સ્પર્શ હોવાનો સંકેત આપ્યો. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ભિખેશ ભટ્ટે કર્યું. કાર્યક્રમના બીજા ભાગમાં અરવિંદભાઈએ સૂર રેલાવ્યા જેમાં શ્રોતાઓ પણ જોડાઈ ગયા.
આ અવસરે ચંદ્રકાન્ત શેઠ, રજનીકુમાર પંડ્યા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વિષ્ણુ પંડ્યા, ભગવાનદાસ પટેલ, જે.બી. વોરા સાહેબ, કિશોરભાઈ જોશી, અમર ભટ્ટ, મનુભાઈ શાહ, સુનિતાબહેન ચૌધરી, ડો. માણેક પટેલ સેતુ, અંધારિયા સાહેબ વગેરે ઉપસ્થિત હતા. ભાવનગર, વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા. આ અવસરે રતિલાલ બોરીસાગર સાહેબના વિદ્યાર્થીઓ હાજર હતા. એનું આવરણ કાવ્યસંગ્રહના નામને બિલકુલ અનુરૃપ છે. અરવિંદ બારોટ પોતે ચિત્રકાર છે. તેમણે સર્જેલું ચિત્ર પોતે જ એક અલાયદી કૃતિ જેવું છે. આ પુસ્તકનું કલા-નિર્માણ ભિખેશ ભટ્ટે કર્યું છે.