આત્માની વસંત

923

આપણા શરીરને વૈભવી સુખ સગવડ ભોગવવાની આદત પડી જતી હોય છે. જોકે કેટલાક વીરલાઓને અંગત તૃષ્ણામાં રચ્યા-પચ્યા રહેવું ગમતું નથી. મને ઘણા આવા વીરલાઓને મળવાની તક ઇશ્વરે આપી છે. મને તેનો આનંદ પણ છે. થોડા સમય પહેલા મારે સંસ્થાના ભાવિ કાર્યક્રમના આયોજન માટે મુંબઈ જવાનું થયું હતું.  ગત ૧૯-૨૦ ઓગષ્ટ, ૨૦૧૯ ના આ દિવસોમાં ઘણા મોટા મહાનુભાવોને મળવાનું થયું હતું. અમારા કીર્તિભાઈ શાહના નેતૃત્વ નીચે અમારી મુલાકાત મુંબઈના ખ્યાતનામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ સાથે સમયપત્રક મુજબ ચાલી રહી હતી. મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા સુભાષભાઈ શાહ ટ્રાફિકમાં ફસાવાના લીધે લાંબા થઈ જતા, રસ્તાનો થાક ઉતારવા હળવી રમૂજ (જોક્સ) કરી અમને સૌને હસાવતા રહેતા હતા. ‘ઘરે મોડા પહોંચવાનો ડર વ્યક્ત કરી કીર્તિભાઈને ટાર્ગેટ કરી રહ્યા હતા. મોડું કરી આજે કીર્તિ મારું નક્કી ઘર ભાંગવાનો થયો છે. મારે પણ સરોજબહેનનું ધ્યાન દોરી કીર્તિને થોડો ઠબકો ખવડાવવો પડશે’ સુભાષભાઈ ગમે તેટલી રમુજ કરે છતાં કીર્તિભાઈના પેટનું પાણીય હલતું ન હતું. કીર્તિભાઈ ગંભીર થઈ, આયોજનપૂર્વક એક પછી એક મુલાકાત ગોઠવી. અમને મહાનુભાવોનો પરિચય કરાવી, સંસ્થાના યોજાનાર કાર્યક્રમ માટે સહયોગ મેળવી રહ્યા હતા. અમારી રમુજમાં તેઓ થોડું હસી જરૂર લેતા હતા, પણ તેને અમારી ફાલતું રમૂજમાં કોઈ રસ પડતો ન હતો. કીર્તિભાઈ બાળકોના મુંબઈ રોકાણની સગવડ ઊભી કરવા લોકોનો ટેકો મેળવવાની કોઈ તક ખોવા તૈયાર ન હતા. ગાડીમાં બેઠા-બેઠા સતત ચિંતન કરતા રહેતા હતા. બાળકોને ક્યાં ફરવા લઈ જવા? તેને શું જમાડવું? ક્યાં અને ક્યારે જમાડવાં? વગેરે બાબતો પર તેનું ચિંતન ચાલતું હતું. તેના ચેહરાની લકીરો ચિંતાની ચાડી ખાય રહી હતી. વસંતઋતુનું આગમન થતા જ વૃક્ષો અને ફૂલ-છોડ નવપલ્વિત બની ઝૂમી ઊઠે છે. પોતાની નવી ફૂટતી કૂંપળોમાં હાસ્ય ભરી દે છે. તેમ સેવામંદિરના ખરા પૂજારી એવા અમારા કીર્તિભાઈના હોઠ પર હાસ્ય ચલક-ચલાણાની રમત રમી રહ્યું હતું. તેના મનમંદિરમાં બાળકોના યાત્રા-પ્રવાસની ઘટમાળ ધૂમરીઓ મારી રહી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાલર રણકી રહી હતી.

ઝાલરમાંથી ગુંજતા નાદમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી વિકાસની ગાથા ગુંજતી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકોના સપનાના રંગો કીર્તિભાઈની લાગણીની પીંછી વડે શબ્દચિત્રમાં રેલાય રહ્યા હતા. ધીમા વરસાદના ફોરા તેની શોભા વધારી રહ્યા હતા. કીર્તિભાઈના બત્રીશે કોઠે ઠંડક વળે તેવો અમને લોકોનો આવકાર મળી રહ્યો હતો. આખા દિવસની દોડધામ પછી અમારા ઊતારે કીર્તિભાઈએ મુંબઈમાં યોજાનાર ભાવિ કાર્યક્રમના આયોજન માટે એક મીટિંગ રાખી હતી.

અનમોલ ગ્રુપની તારીખ ૧૯ ઓગસ્ટના રોજ મોડી રાત્રીના યોજાયેલ મીટિંગ હું, કદાપી ભૂલી શકીશ નહિ. આ મીટિંગમાં નવયુવાનોમાં કીર્તિભાઈએ સેવાનો પ્રાણ ફૂંક્યો હતો. ઉપસ્થિત લગભગ બધા જ સભ્યોના ચહેરા પર અનેરો તરવરાટ દેખાતો હતો. કોઈ યુવાનને પોતાના ઘરે જવાની ઉતાવળ ક્યાંય ડોકિયા કરતી ન હતી. કારણ કે કીર્તિભાઈના આત્માની ખીલેલી વસંતનું આ કામણ હતું. વસંતઋતુમાં ફૂલોની પરાગરજ પવન અને કિટાણુઓના માધ્યમથી તેના ફલિનીકરણ માટે આસપાસના ફૂલ-ઝાડ સુધી પહોંચી જાય છે તેમ કીર્તિભાઈનો સેવાનો મંત્ર યુવાનો સુધી પહોંચી ગુંજી રહ્યો હતો. ષડ્‌જથી નીશાદ સુધીના સૂરોનો સંવાદ યુવાનોના સેવા સંકલ્પમાં છેડાઈ રહ્યો હતો. આ મીટિંગમાં કાર્યક્રમના સફળ આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી. કિર્તિભાઈ સંવેદનાની જીવતીજાગતી પ્રતિમા જ છે. તેમણે બાળકોને ઉતારા પરથી સભાખંડ સુધી તકેદારીપૂર્વક લઈ જવાના શ્રેણીબદ્ધ ઉપાયો સૂચવ્યા હતા. દુનિયાભરના લોકો આનંદ મેળવવા સિનેમા, સ્વિમિંગ-પૂલ, પ્રાકૃતિક સૌંદર્યોમાં ભટકતા હોય છે. જ્યારે ભીતરનો ભેરુ જેનો જાગી જાય છે ત્યારે તેને આવા ભૌતિક સગવડના માચડા આનંદ મેળવા શોધવા નીકળવું પડતું નથી કારણ કે આવા લોકો ભૌતિક આનંદના પદાર્થોથી તદ્દન પર હોય છે. સેવાના દરબારમાં આવા લોકો રાજ કરતા હોય છે. મારી દૃષ્ટિએ આવા લોકો જ મહાપુરુષો ગણાય. ખૂબ ઓછા પરિચય છતાં મને કીર્તિભાઈ શાહની લાગણીના સાગરમાં ડૂબવાનો મોકો જરૂર મળ્યો છે. સાગરની ઊંડાઈ પામી મને સાચા મોતી પણ જડ્યા છે. આ મોતીનું મૂલ ‘અણમોલ’ છે.

અમારી દોડધામ વચ્ચે પણ કીર્તિભાઈ અમને વિચારોનું સોનુ વહેંચી રહ્યા હતા. તેમના જીવનનો એક ઘટેલો સત્ય પ્રસંગ પ્રેરણા આપે તેવો છે. લગભગ આઠ-દસ વર્ષ પહેલા ઘટેલી સત્ય ઘટનાની આ વાત છે. કીર્તિભાઈ અને સરોજબહેન જામનગરથી મુંબઈ કોઈ પારિવારિક પ્રસંગે ટ્રેનમાં જઈ રહ્યા હતા. એ.સી. ડબ્બામાં તે વખતે પ્રવાસીની સુવિધા ખાતર પડદા લગાવામાં આવતા હતા. જેથી પ્રવાસી શાંતિથી ઊંઘી શકે. શ્રી કિર્તિભાઈ અને સરોજબહેનની સામેની બેઠકમાં એક બહેન આવીને ગોઠવાયા. તેમને જોતા જ શાણા માણસને ખબર પડી જાય કે આ બહેનને સારા દિવસો જઈ રહ્યા છે. સરોજબહેને સાવ અજાણ્યા બહેનને પૂછ્યુંઃ ‘બહેન, સારું તો છે ને? કોઈ દાકતરને તબિયત બતાવી ઘરેથી નીકળ્યા છો ને?’ બહેને હકારમાં માથુ ધુણાવી સરોજબહેનના પ્રશ્નનો ઉત્તર વાળ્યો.

થોડો સમય હસી-મજાક ચાલી. સરોજબહેન સાથે સાવ અજાણ્યા બહેનનો જીવ મળી ગયો. ખાણી-પીણી પતાવી સૌ આડે પડખે થયા. સામેની બેઠક પર આરામ કરતા બહેનને પેટનો દુઃખાવો ઉપડતા કણસવા લાગ્યા. થોડીવાર પછી  સરોજબહેનને કણસતા અવાજે બૂમ પાડી પોતાની પાસે બોલાવ્યા. સરોજબહેન કાંઈ સમજે તે પહેલા તો ભારે દુઃખાવાના લીધે પેલા બહેને મોટી ચીસ પાડી. ઢાંકેલા પડદામાં સરોજબહેને તપાસ કરવા જોયું, તો સરોજબહેનને બાળકનું માથું બહાર આવતું દેખાયું. થોડી જ મિનિટોમાં પેલા બહેનની ચિસાચિસ વચ્ચે એક દીકરીનો જન્મ થયો. પાછળથી તેના પરિવારે ટ્રેનમાં જન્મેલી આ દીકરીનું નામ યાત્રી રાખ્યું. ટ્રેનમાં એકાએક આવી પડેલી પ્રસૂતિની જવાબદારી સરોજબહેન માટે નેવાના પાણી મોભે ચડાવા જેવી કપરી હતી. બાળકને નાળમાંથી મુક્ત કરવું અનિવાર્ય હતું, પણ સરોજબહેન માટે તે અશક્ય હતું. નાળ કાપવા કોઈ સાધન પણ ઉપલબ્ધ ન હતું. દાકતરને શોધવા કીર્તિભાઈ અને તેના મિત્રો ટ્રેનના ડબ્બેડબ્બા ફરી વળ્યા. એક પણ દાકતર ટ્રેન મુસાફરીના હેતુથી જોડાયેલા ન હોવાથી તે સમયે કોઈ મદદ મળી શકી નહિ. ઘણી મથામણ પછી જસ્ટડાયલના માધ્યમથી આગળના સ્ટેશનેથી આવી દાકતરી મદદ મળી શકશે તેવો સંદેશ મળતા કીર્તિભાઈ અને સરોજબહનની ચિંતાનો અંત આવ્યો. સ્ટેશન આવતા જ દાકતર સાહેબ આવી પહોંચ્યા. તેમણે બંનેને તપાસી જાહેર કર્યું; ‘બાળક અને તેની માતા સંપૂર્ણ સ્વસ્થ છે. કોઈ પણ ચિંતાનું કારણ નથી.’ સારા સમાચાર મળતા શ્રી કીર્તિભાઈ અને સરોજબહનના જીવમાં જીવ આવ્યો. આંખની પણ ઓળખ ન હોવા છતાં કેટલો લગાવ, કેવો સ્નેહ. ટ્રેનમાં પ્રસૂતિની પીડા સહન કરતા બહેનનું દુઃખ દંપતીથી જોવાતું ન હતું. આ દુઃખનો અનુભવ તેઓ એક પરિવારના સભ્યની જેમ કરી રહ્યા હતાં. આ સાચી સેવાનો દાખલો શાહ દંપતિએ બેસાડી ભગવાન મહાવીર સ્વામીનો મંત્ર ચરિતાર્થ કર્યો છે. આ દંપતીને મારા શત-શત વંદન…

કીર્તિભાઈનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને મોહક પણ છે. મને તેના સ્નેહસાગરમાં ધૂબકા લગાવા ગમે છે. તેનાથી મારું મનમંદિર શુદ્ધ અને પવિત્ર બન્યું છે. હું મારા ભરોસાને ખરો ઠેરવવા આવી તેજસ્વી પ્રતિભાના પ્રકાશે આગળ ધપતો રહું છું.

‘કાશ, ખીલે વસંત આતમની,  બની મહેક મહેકવું છે,

સેવાનું પુષ્પ થઈ, પાંદડિયો ભલે સૂકી બટ્ટ થઈ ખરી પડે,

પણ રસમ ઠરી ‘ઝગમગ’ પંકાવું છે, જગત મહીં’

મુંબઈના લોકોને રૂબરૂ મળવામાં મને જે અનુભૂતિ થઈ. તેના વિશે વર્ણન કરવા શબ્દો પાંગળા લાગે છે. કોઈ પણને આપણે મુંબઈ વિશે પૂછીએ તો લગભગ મોટા ભાગના લોકોનો મત ધમાલિયાનગરનો જ હોય, પણ હકીકત જરા જુદી જ છે.

આત્માની વસંત શું છે? તે સમજવા મુંબઈ શહેરમાં વર્ષો પહેલા ઘટેલી એક સત્યઘટના વિશે જાણકારી મેળવવી ગમશે. પ્રાગજીભાઈ અને પ્રભાબેન ઉત્તર ગુજરાતના ગામડા-ગામમાંથી નોકરી અર્થે મુંબઈ આજથી લગભગ ૮૦ વર્ષ પહેલા વસવાટ માટે ગયા હતા. તેમને તે વખતે દસ વર્ષનો એક દીકરો હતો. તેનું નામ રોહિત. છોકરો બહુ બુદ્ધિશાળી હતો. પ્રાગજીભાઈને નોકરીમાં પગાર સારો હોવાથી પ્રભાબેન ઘર ખર્ચમાંથી બચત કરી મોટી રકમ એકઠી કરી શક્યાં હતાં. પ્રાગજીભાઈનો પણ ખાસ કોઈ ખીસા ખર્ચ નહોતો. આ બધા કારણોસર પ્રભાબેન રોહિતને મુંબઈની મોંઘવારીમાં પણ પી.એચ.ડી. સુધીની પદવી અપાવી શક્યા હતા. જોકે રોહિત પણ ભણવામાં ઘણો હોશિયાર અને મહેનતું હતો. અભ્યાસ પૂર્ણ થતા જ રોહિતને એક ખ્યાતનામ કૉલેજના પ્રિન્સીપાલની નોકરી મળી ગઈ. હવે પ્રાગજીભાઈ અને પ્રભાબેનના શાંતિના દિવસો આવવાના હતા. થોડા સમયબાદ રોહિત માટે મુંબઈની કોઈ મોટી કંપનીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતી હંસાનું માગું આવ્યું. પ્રાગજીભાઈ અને પ્રભાબેને બધું પાકું પણ કરી નાખ્યું. ઘડિયા લગ્ન લેવાયા. હંસા અને રોહિતની ગાડી સંસારના પાટા પર પૂરપાટ દોડવા લાગી. મહિનાઓ વીતી ગયા. હંસાના સારા દિવસો વિતવા લાગ્યા. પ્રભાબેન હંસાને કંપનીમાંથી લાંબી રજાઓ લઈ આરામ કરવા રોજ આગ્રહ કરવા લાગ્યા. પ્રસૂતિનો સમય નજીક આવતા હંસાબેને કંપનીમાં રજાની માંગણી કરતો પત્ર રજુ કર્યો. હંસાબેનની રજાઓ મંજૂર થતા પ્રભાબેનનો હરખ સમાતો ન હતો. ખુશીના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. આપણો સારો સમય જલદી વીતી જતો હોય છે. આનંદના દિવસો આપણાથી અળગા થવા હંમેશા ઉતાવળ કરે છે. હંસાને પ્રસૂતિની પિડા ઉપડતા પ્રભાબેન હંસાબેનને હૉસ્પિટલ લઈ ગયા. પુત્ર રોહિતને કૉલેજમાં ખબર આપવામાં આવી. સમાચાર મળતા જ રોહિત કૉલેજમાંથી રજા મેળવી. પોતાનું સ્કૂટર લઈ નીકળી ગયો. પ્રભાબેન પોતાની પુત્રવધૂ હંસાબેનને લઈ જેવા હૉસ્પિટલ પહોંચ્યા. હંસાબેનનું દર્દ વધતા જ તેઓ ચીસો પાડવા લાગ્યા. થોડી જ વારમાં હંસાબેને ખૂબ સુંદર પુત્રને જન્મ આપ્યો. પ્રભાબેનની ખુશીનો પાર ન રહ્યો. પ્રાગજીભાઈને બોલાવી મિઠાઈનો પ્રબંધ કરી, સગા સંબંધીઓને પહોંચતી કરવા કહ્યુંઃ પ્રાગજીભાઈએ પ્રભાબેનની ઇચ્છા મુજબ બધી જ વ્યવસ્થા ગોઠવી આપી. આનંદની છોળો ઊડી રહી હતી. રોહિત મુંબઈના ભારે ટ્રાફિકવાળા રસ્તા પર પોતાનું સ્કૂટર દોડાવી રહ્યો હતો. અચાનક રસ્તામાં ભારે ટ્રાફિક વચ્ચે દોડતું કૂતરું આવી જતા. તેને બચાવા સ્કૂટરને કાવું લગાવા જતા સ્કૂટર એક કાર સાથે ધડાકા બંધ અથડાયું. રોહિત દૂર ફંગોળાઈ ગયો. રોહિતનું માથું બસના પૈડા નીચે આવી જતા રોહિતની ખોપરીના કટકે-કટકા થઈ ગયા. રોહિતનું કરુણ મોત થયું. હંસાને જો આ સમાચાર કોઈ પણ રીતે મળે તો આઘાત સહન કરવાની તેની ક્ષમતા ન હતી. તેથી પ્રાગજીભાઈએ પ્રભાબેન સાથે મળી એક યોજના ઘડી કાઢી. તેમણે હંસાને સમાચાર આપ્યા. રોહિત તેની કૉલેજની છોકરી સાથે લફરુ થઈ જતા ભાગી ગયો છે. પ્રભાબેન અને પ્રાગજીભાઈ પોતાની પુત્રવધૂને કોઈ પણ જાતની શંકા ન જાય તેવો વ્યહાર કરવા લાગ્યાં. પોતાના પુત્રને ગાળો ભાંડી ધિક્કારવા લાગ્યા. આવો અમારો નફફટ પુત્ર કદી ન હોય. આવું કરવા પાછળનો દંપતિનો ઇરાદો સાફ હતો. હંસાને પતિના અકસ્માતના સમાચાર પ્રસૂતિ સમયે મળે તો કદાચ હંસાનો જીવ પણ તેને ગુમાવાનો વારો આવે. હંસાનું હૃદય બહુ નબળું હતું. આવું કોઈ પણ મા-બાપ માટે પુત્ર ગુમાવવા છતાં પુત્રવધૂના સુખ માટે કરવું સરળ નથી. હંસાનો પુત્ર પુરા ૨૫ વટાવ્યા પછી જ્યારે તેના લગ્નની કંકોત્રી લખવાની હતી ત્યારે પ્રાગજીભાઈએ ફોડ પાડી હંસાને વાત કરી કહ્યુંઃ ‘રોહિત જીવિત નથી. તેના નામ આગળ સ્વ. શબ્દ ઉમેરવો પડશે. તમારી પ્રસૂતિ વખતે તેનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, પણ અમે તને આઘાત પહોંચે નહિ એટલા માટે ખોટી વાત ઉપજાવી કાઢી હતી. હંસાબેનના અચરજનો પાર ન રહ્યો. પુત્રવધૂના સુખ ખાતર મૃત્યુ પામેલ પુત્રના સમાચાર છુપાવા, આટલો ત્યાગ કરી શકે તેવા મા-બાપ આ ધરા પર ભગવાન તેં મને આપ્યાઃ ‘ધન્ય છે મારા સાસુ-સસરાને મારા સુખ માટે પૂરા ૨૫ વર્ષ પુત્ર ગુમાવાનું દુઃખ દિલમાં ભંડારી રાખ્યું. આવું કોણ કરી શકે? જેના આત્માની વસંત સોળેકળાએ ખીલી હોય, તે વીરલાનું આ કામ છે. જે ધરતીમાં સેવા અને નિઃસ્વાર્થપણાનેનો તૈયાર થયેલો મબલક પાક લણવાની મોજ ઉઠાવા મને તેં મોકલી છે, તે ધરા અને ધરાના મહાનુભાવોને મારા શત-શત વંદન…

Previous articleજન્મ સ્થિતિ અને લય જેમાં સ્થિત છે તે બ્રહ્મ છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે