સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઠેર-ઠેર મુળ મહારાષ્ટ્રનાં એવા ગણેશ મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. લોકો વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરી પૂજન-અર્ચન સાથે ગુણગાન ગાય છે. અને પાંચ, સાત, નવ કે ૧૧ દિવસે પૂર્ણાહુતી કરીને ગણેશજીનું વિસર્જન કરાય છે. ત્યારે આજે ગણેશ ચતુર્થીથી ભાવનગર શહેરમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનાં પ્રારંભ કરવામાં આવ્યા છે અને લોક ગણેશમય બન્યા છે. આજે સવારથી જ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળો દ્વારા કરવામાં આવેલા ભવ્ય ગણેશ ઉત્સવનાં આયોજનોમાં ડી.જે. સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને નાચ-ગાન સાથે મહોત્સવ સ્થળે ગણેશજીની કલાત્મક અને અલગ અલગ સ્વરૂપોવાળી મુર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ. જ્યાં પૂજન અર્ચન અને મહાઆરતી સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલ. ભાવનગર શહેરનાં ક્રેસન્ટ સર્કલ, રૂપાણી સર્કલ, કણબીવાડ, કાળીયાબીડ, ભરતનગર, આનંદનગર, વડવા, સરદારનગર, સુભાષનગર, ઘોઘાસર્કલ, ચિત્રા, મિલેટ્રી સોસાયટી, સહિત વિસ્તારોમાં ગણેશ મહોત્સવનાં ભવ્યાતિ ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. આ દરેક સ્થળોએ દરરોજ સવાર, બપોર સાંજ, મહાઆરતી થાળ ધરવામાં આવશે આ ઉપરાંત દરરોજ વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આજથી ગોહિલવાડ ગણેશમય બન્યું છે.