પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે વિસનગર કોર્ટમાં બે વર્ષ જૂના રાયોટીંગના કેસમાં કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાર બાદ તેમણે જણાવ્યુ હતુ કે મને મહેસાણામાં પ્રવેશતો અટકાવવા માટે જૂના કેસમાં રાયોટીંગની કલમ ઉમેરાઇ છે. કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે ફરી આંદોલન શરુ થઇ જશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ આરોપી છે તેથી તેઓ પણ કોર્ટની મુદતે હાજર રહ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજે વિસનગર કોર્ટમાં હાજર થયો. ત્રણ વર્ષ જુના કેસમાં તારીખ પર તારીખ પડી રહી છે. આ કેસને લંબાવા માટે વિસનગરના ધારાસભ્યને સાક્ષી તરીકે ઉમેરવામાં આવ્યા છે અને રાયોટીંગ ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ નથી અને પ્રવેશ ના થાય એ માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમુક લોકોને કોર્ટના ધક્કા નથી અને એ લોકો કહે છે આંદોલન કેમ નથી કરતા. એ લોકોને એટલું કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિ અને વાતો મલકની કરવાની. ભાજપના રાજમાં જનતા બેહાલ છે.
હાર્દિક પટેલે ગુજરાતમાં દારુબંધી અંગે ટિ્વટ કર્યું હતુ કે ગાંધીના ગુજરાતમાં ગત બે વર્ષમાં ૨૦૦ કરોડ રૂપિયાની કિંમતનો દેશી-વિદેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે. દારુબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. બધા જ દારુના અડ્ડાઓમાં ભાજપીઓનો ભાગ છે. છતાં પણ ગુજરાત મોડલ જિંદાબાદ.