મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ પોતાની સક્રિયતા વધારી રહ્યું છે. તાજતેરમાં જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે જઈ આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના લોકોને અનેક ભેટ આપી શકે છે. વડાપ્રધાન ૭મી સપ્ટેમ્બરે સવારે મુંબઈ પહોંચશે, ત્યાંથી તેઓ બપોરે ઔરંગાબાદ જશે અને ત્યાંથી નાગપુર માટે રવાના થશે.
આ વર્ષના અંતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. અમિત શાહ ગઈ કાલે જ મહારાષ્ટ્રના પ્રવાસે હતા. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે સાથી પક્ષ શિવસેનાને બિલકુલ પણ ભાવ આપ્યો નહોતો. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭મી સપ્ટેમ્બરે સાંજે સીડી ડ્રાય પોર્ટ સ્થિત મેટ્રો કોચ નિર્માણ કેન્દ્રનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ નાગપુરને અડીને આવેલા વર્ધા, ભંડારા, રામટેક સહિતના શહેરોમાં ચાલનારી બ્રોડગેજ મેટ્રોનો શિલાન્યાસ કરશે. આ તમામ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી સંચાલિત કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૫૦-૫૦ ટકાની ભાગીદારીથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.આ અગાઉ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના સોલાપુરમાં રેલી કરી હતી. તેમણે સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સરકારી નિવાસસ્થાને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી. શાહની આ બેઠકના પહલે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક જ ગરમાવો આવી ગયો છે.