દેશનું બીજું મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-૨ ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. મંગળવાર સવારે ૮ વાગીને ૫૦ મિનિટે લેન્ડર વિક્રમે તેની પાસેની પ્રજ્ઞાન રોવરને લઈને સફળતાપૂર્વક ચંદ્રની દિશામાં ચાલવાનું શરૂ કર્યું છે. હાલ ઓર્બિટર અને વિક્રમની તમામ પ્રણાલી યોગ્ય રીતે કામ કરી રહી છે.ચંદ્રયાન-૨થી અલગ થયા બાદ લગભગ ૨૦ કલાકથી વિક્રમ લેન્ડર તેની ઓર્બિટર કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું, પરંતુ તે ઓર્બિટરથી વિરુદ્ધ દિશામાં જશે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ડિઓર્બિટ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ચંદ્રયાન-૨ના આર્બિટરથી વિક્રમ સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. તે અલગ થઈ ગયા બાદ વિક્રમની ચંદ્રની દક્ષિણ ધ્રુવના હિસ્સામાં ઉતરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આજથી પાંચ દિવસની અંદર એટલે કે ૭ સપ્ટેમ્બરની સવારે લગભગ ૧.૫૫ વાગે પ્રવેશ કરશે.
ઈસરોએ જણાવ્યું કે અલગ થયા બાદ વિક્રમ અત્યાર સુધી ચંદ્રમાંની ૧૧૯ કિમી ગુણયા ૧૨૭ કિમીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ વિક્રમને મંગળવારે સવારે ૮.૫૦ વાગે ચંદ્રની નજીકની કક્ષા ૩૬ ગુણયા ૧૦૦ કિમીની સીમામાં દાખલ કરી દીધું છે. બાદમાં ચાર સપ્ટેમ્બરે તેને ચંદ્રની સપાટી પર ઉતારવા માટે તૈયાર કરવામાં આવશે. બાદમાં ત્રણ દિવસ સુધી વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં ચક્કર લગાવતુ રહેશે. બાદમાં સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થશે.