ઇન્ડિયા ગેટ પાસે સોમવાર મોડી રાત્રે ૧૨ વાગ્યે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ફૂટપાથ પર આઇસ્ક્રીમ ખાઇ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ૮ વર્ષની બાળકી અને તેના પિતાનું મોત થયું છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર બાળકી તેના માતા પિતા સાથે ઇન્ડિયા ગેટ નજીક માનસિંહ રોડ પર સ્કૂટી પર આવી હતી. આ ઘટનામાં ડમ્પરે રસ્તાના છેડે ઉભેલી ત્રણ રિક્ષાને પણ ટક્કર મારી જેમાં એક રિક્ષા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ દુર્ઘટના રાતના લગભગ ૧૨ વાગ્યાની છે. જ્યારે માનસિંહ રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રેલા ડમ્પરના ડ્રાઇવરે એકાએક ડમ્પર પરથી કાબુ ગુમાવ્યો અને ફૂટપાથ પર ચઢાવી દીધો હતો. આ ઘટનામાં રસ્તાના છેડે ઉભેલી રિક્ષા અને સ્કૂટીને કચડી નાખતા પાર્કની અંદર ઘૂસી ગયો હતો.
એનસીઆરમાં પૂરપાટ ગતિનો કહેર અટકવાનું નામ લઈ રહ્યું નથી. રવિવાર રાત્રે ગુરૂગ્રામમાં ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર એક પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કરે બે રાહદારીઓના મોત થયા હતા. આ અગાઉ ગત વર્ષે ઓગસ્ટ મહીનામાં ફરીદાબાદ-ગુરૂગ્રામ રોડ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ ડિઝાયર કારે કાબુ ગુમાવતા ડિવાઇડર કૂદીને રોડની બીજી સાઇડ જઇ રહેલી ટેક્સી (કેબ)ને ટક્કર મારી હતી.