હેરિટેજ મિલકતધારકોને અલગ પ્રકારનાં પ્રોપર્ટી ટેકસ બિલના વિતરણની શરૂઆત

387

અમદાવાદ શહેરને દેશનું સર્વ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ મળ્યે હવે તંત્ર દ્વારા હેરિટેજ મિલકતધારકોને લેખિતમાં તેમનાં ગ્રેડેશનની જાણ કરાઇ રહી છે. આ ઉપરાંત અલગ પ્રકારના પ્રોપર્ટી ટેકસ બિલનું વિતરણ કરાઇ રહ્યું છે.

આમ તો સેપ્ટના સર્વે મુજબ શહેરના કોટ વિસ્તારમાં રર૪૭ હેરિટેજ મકાન છે જે પૈકી સૌથી વધુ ખાડિયા અને સૌથી ઓછા રાયખડમાં છે. કોટ વિસ્તારના હેરિટેજ મકાનને ત્રણ ગ્રેડેશનમાં વહેંચાયાં છે જે પૈકી ગ્રેડ-ર-એમાં કુલ ૯૯ મકાન, ગ્રેડ-ર-બીમાં પપર મકાન, ગ્રેડ-૩માં સૌથી વધુ ૧પ૯૬ મકાન છે. આને જોતાં મ્યુનિ. હેરિટેજ વિભાગ દ્વારા તમામ મિલકતધારકોને તેમના નામ, સરનામાંને આધારે પત્ર પાઠવીને તેમનાં મકાનના ગ્રેડેશન અને મળવાપાત્ર લાભ વિશે જાણ કરાઇ રહી છે. દરમ્યાન મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા આશરે પ૭૦૦ હેરિટેજ મિલકતોને અલગ પ્રકારના હેરિટેજ બિલનું વિતરણ ચાલુ કરાયું છે.

જેમાં આપનું મકાન હેરિટેજ છે તેમાં અનધિકૃત ફેરફાર કરવો નહીં તેવું લખાણ એસેસર અને ટેકસ કલેકટર ડી. બેનરજીના હસ્તાક્ષર સાથે પ્રોપર્ટી ટેકસ બિલની રકમના નીચે અપાયેલી નોટિસના ભાગમાં છપાયું છે.

આ માસના અંત સુધીમાં કોટ વિસ્તારના તમામ પ૭૦૦ હેરિટેજ મિલકતધારકોને આવા લખાણ ધરાવતા ટેકસ બિલ મળી જશે. જોકે પ્રોપર્ટી ટેકસ બિલમાં હેરિટેજ મિલકતધારકોને કોઇ વિશેષ છૂટછાટ અપાઇ નથી.

Previous articleકિસ કરતા વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું
Next articleબન્ને પુત્રોને મોતને ઘાટ ઉતારી માતાએ આપઘાત કરી લીધો