દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુ સેના ગણાતી ભારતીય એરફોર્સે દુશ્મનને હવામાં તોડી પાડવાની તાકાતમાં વધારે શક્તિ હાંસલ કરી લીધી છે. દુનિયાના સૌથી શક્તિશાળી એટેક હેલિકોપ્ટર અપાચેને મંગળવારના દિવસે હવાઈ દળમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. અમેરિકી હવાઈ દળના કાફલામાં સામેલ એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરને હવાઈ દળના વડા બીએસ ધનોવાની ઉપસ્થિતિમાં પઠાણકોટ એરબેઝમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળને બોઇંગ કંપની પાસેથી ૨૨ એએચ-૬૪ઇ અપાચે હેલિકોપ્ટર મળનાર છે જેનો પ્રથમ કાફલો આવી પહોંચ્યો છે. આગામી વર્ષ સુધી ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં તમામ ૨૨ વિમાન મળી જશે. દુશ્મને ધુળ ચટાડી દેવા માટે ભારતીય હવાઇ દળની પાસે અન્ય યુદ્ધવિમાનો રહેલા છે. ઉડતી ટેન્કના નામથી લોકપ્રિય બોઇંગના અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર ભારતીય સેનાના ટેન્ક યુદ્ધમાં મહારથી તરીકે છે. વિશેષ કરીને પાકિસ્તાન સાથેયુદ્ધ થાય તો ટેન્કથી હુમલાના મામલામાં તે ભારતને મોટી સફળતા અપાવશે. મિસાઇલો ફિટ હોવાથી આ હેલિકોપ્ટર પાસે ૨૫૬ મુવિંગ ટાર્ગેટને શોધીને તેના ઉપર તુટી પડવાની ક્ષમતા રહેશે. અપાચે પોતાની આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમના લીધે દુનિયામાં સૌથી આધુનિક યુદ્ધ હેલિકોપ્ટર તરીકે છે. અમેરિકાએ ૧૯૯૧માં અખાત યુદ્ધ દરમિયાન ઇરાક સામે અને ત્યારબાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ભારત અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કરનાર ૧૪માં દેશ તરીકે રહેશે. અપાચેની અનેક વિશેષતાઓ રહેલી છે.
તે દિન અને રાતમાં એક સાથે હુમલા કરી શકે છે. અપાચે દુશ્મન કોઇપણ સમયમાં શોધી શકે છે. અમેરિકા અને ઇઝરાયેલી સેના દ્વારા આ પ્રકારના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. અપાચેનો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર સહિત આતંકવાદી સ્થળો ઉપરહુમલા કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. તે ૨૦૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી ઉંડાણ ભરી શકે છે. ભારતીય હવાઈ દળે આ વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ ઉપર ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને ત્રાસવાદી સ્થળોને ફૂંકી માર્યા હતા. એરફોર્સે મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટ મારફતે જોરદાર હુમલા કર્યા હતા. એટલું જ નહીં એરફોર્સે આ ફાઈટર એરક્રાફ્ટ મારફતે જ કારગિલના પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ફ્રાંસમાં બનેલા વિમાનો પણ ખુબ અસરકારક પુરવાર થઇ ચુક્યા છે. ભારત પાસે જગુઆર, સુખોઈ, મિગ-૨૯ અને મિગ-૨૧ બાયસન જેવા ઘાતક વિમાનો રહેલા છે. આ ઉપરાંત તેજસ વિમાનો પણ છે જે દુશ્મનોને શોધી શોધીને તેમને મુશ્કેલીમાં મુકી શકે છે. હવાઈ તાકાતના મામલામાં ભારત પાકિસ્તાનથી ખુબ આગળ છે.