કેવડિયામાં સ્થાનિક તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓ અને વેપારીઓની લારી-ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરતાં આદિવાસી સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તંત્રની ખોટી રીતે દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા કેવડિયા ખાતે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. તો, ઘટનાની જાણ થતાં જ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમનો ભરૂચનો કાર્યક્રમ ટુંકાવીને કેવડિયા ખાતે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. રોષે ભરાયેલા મનસુખ વસાવાએ રાજ્યના એડિશનલ એડિશનલ ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી લોકો સીંગ અને મકાઇ વેચીને રૂ.૫૦૦-૧૦૦૦ કમાઈ કુટુંબનું ભરણપોષણ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર લોકોને રોજગારી આપવાની વાત કરે છે, તો બીજીબાજુ, એસી મકાનમાં રહેતા આઇએએસ જે હાઇફાઇ લાઈફ જીવન જીવે છે, એમને ગરીબોનું જીવન ખબર નથી અને હાલમાં એક અંગ્રેજ ગુપ્તા આવ્યો છે, જે જાત જાતના કાયદા બનાવે છે અને ગરીબોની રોજી છીનવાઈ તેની ચિંતા નથી કરતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અંગ્રેજ વાઇસરોય ગુપ્તાના મગજમાં જ વિચાર આવે છે કે, આદિવાસીઓ લારી કરશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા ઘટશે, આદિવાસીઓની જીવનશૈલી તેઓને ગમતી નથી. હું અંગ્રેજની માનસિકતા ધરાવતા ગુપ્તાને ચેતવણી આપું છું કે, આદિવાસી લોકો જોડે ચર્ચા કર્યાં પછી જે નિર્ણય લેવા હોય તે લે. આદિવાસીઓની રોજીરોટી અને જીવનશૈલી જોડે છેડછાડ ન કરે. રાજીવ ગુપ્તાને કારણે અહીંયાનું વાતાવરણ ડહોળાય છે.
ગુપ્તા અહીં પોતાની મનમાની કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારમાં રોડ અને હેલિપેડ સહિતની જગ્યામાં સ્થાનિકો ખાણીપીણીની લારીઓ શરૂ કરી હતી. આ લારી ગલ્લાઓને આજે સ્થાનિક તંત્રએ આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હટાવી દીધા હતા. જેને પગલે કેવડિયામાં જન આક્રોશ ફેલાઇ ગયો હતો. જેના વિરોધમાં કેવડિયા આજે સ્વંયભૂ સજ્જડ બંધ રહ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા વિસ્તારના સ્થાનિક લોકો રોડ અને ફૂટપાથ પર લારીઓ મૂકીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે, ચારેક દિવસ પહેલાં સૂચના આપ્યા બાદ આજે અચાનક જ તંત્રએ લારી-ગલ્લાઓ અને નાની કેબીનો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આશરે ૩૦૦ જેટલા લારી-ગલ્લા ને કેબીનો હટાવાતાં સ્થાનિક વેપારીઓ અને અન્ય આદિવાસી સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. જેને પગલે આજે કેવડિયા કોલોની સ્વયંભૂ બંધ રહ્યું હતું. તો, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આજે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી અને હવે અમારે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવુ તેવો આક્રોશ કલેક્ટર સમક્ષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટરમાં અમે જમીનો અમે ગુમાવી છે, એટલે લારી મૂકીએ છે. પરંતુ તંત્ર રજૂઆત કરવા જઈએ તો ઉડાઉ જવાબ આપે છે. આમ, સમગ્ર મામલો આજે ગરમાયો હતો.