સોમનાથ મહાદેવને સ્વચ્છ આઇકોનીક પ્લેસનો એવોર્ડ

772

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવને સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સ્વચ્છ આઇકોનીક પ્લેસનો એવોર્ડની આજે કેન્દ્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે. સોમનાથ મહાદેવની વધુ એક સિધ્ધ અને તેની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. તા.૬ઠ્ઠી સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. બીજીબાજુ, સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે શ્રાવણ માસ દરમ્યાન ૧૮ લાખથી વધુ ભાવિકભકતોએ રૂબરૂ આવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. જ્યારે વિશ્વભરમાંથી કુલ ૪ કરોડ, ૫૯ લાખ લોકોએ પોતપોતાના મોબાઇલ ફોનમાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. જેમાં ૪ કરોડ લોકોએ ફેસબુક, ૨૩ લાખ લોકોએ ટ્‌વીટર અને ૩૬ લાખ ભાવિકોએ ઈન્સ્ટાગ્રામ થકી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફોટો અને લાઈવ આરતી ભાવિકોને સૌથી વધુ આકર્ષતી જોવા મળી છે. સોમનાથ મહાદેવ મંદિરને શ્રાવણમાસમાં રૂ. ૫ કરોડ, ૮૯ લાખની આવક થઇ છે. જેમાં પૂજાવિધી, પ્રસાદ, અતિથીગૃહોની આવક, વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર માસમાં ૨ કરોડ ૧૩ લાખ રૂપિયાનો લાડુ અને ચિકીનો પ્રસાદ ભાવિકોએ શિવ પ્રસાદી રૂપે ભેટ ધરીને લીધો હતો. આ ઉપરાંત સોમનાથના વાહન પાર્કિંગ વિભાગમાંથી રૂ. ૧૧ લાખથી વધુની આવક થઇ હતી. આમ મંદિરને વર્ષ દરમ્યાન સૌથી વધુ શ્રાવણ માસમાં આવક રહે છે. હવે દિવસે દિવસે સોમનાથ મહાદેવનાં રૂબરૂ દર્શનની સાથો સાથ લોકો મોબાઈલ પર બેઠા બેઠા રોજેરોજ દર્શન કરતા થયા છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરનાં દિગ્વિજય દ્વાર ખાતે મેન કાઉન્ટીંગ મશીન ગોઠવવામાં આવ્યું હતું, જ્યાંના સીસીટીવી કેમેરા પીઆરઓ ઓફિસનાં કોમ્પ્યુટર સાથે લીંક અપ કરાયા હતા. એ જ રીતે નૃત્ય મંડપ અને સભાગૃહમાંથી બહાર નીકળવાનાં પોઇન્ટ ઉપર એમ કુલ ત્રણ સ્થળે એક ભાવિક વર્ચ્યુઆલિટી ક્રોસ કરે એટલે મંદિરમાં પ્રવેશની સંખ્યા કોમ્પ્યુટરમાં ગણાઇ જાય. આ મશીન કાયમી ધોરણે કાર્યરત રહેશે.

આ નવી સીસ્ટમ દ્વારા જ જાણી શકાયું છે કે, પવિત્ર શ્રાવણ માસમાં કુલ ૧૮ લાખથી વધુ લોકોએ સોમનાથ દાદાનાં દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના સતત ૩૦ દિવસ સુધી વિવિધ આકર્ષક શૃંગાર કરાયા હતા. એ જ રીતે ઓગસ્ટ તા.૩૦ થી ૧ સપ્ટેમ્બર સુધી અમેરિકાના ન્યુજર્સીમાં ગ્લોબલ સમીટમાં ફ્રેન્ડ્‌ઝ ઓફ ગુજરાત આયોજીત સોમનાથ સ્ટોલમાં હજારો લોકોએ લાઇવ સોમનાથ મહાદેવના દર્શન, આરતી દર્શન કર્યા હતા.

Previous articleનાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ સ્ટેમ્પ મેળવી શકશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે