મનસુખ માંડવીયાએ કામધેનુ વિશ્વવિદ્યાલયના રમતોત્સવ ‘સ્પંદન ૨૦૧૮’નો શુભારંભ કરાવ્યો

707
gandhi432018-1.jpg

કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરીમાર્ગ, શીપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ, ગાંધીનગર ખાતે કામધેનુ વિશ્વવિદ્યાલયના ત્રીજા વાર્ષિક રમતોત્સવ ‘સ્પંદન ૨૦૧૮’ નો શુભારંભ કરાવ્યો હતો. 
આ પહેલા તેમણે કામધેનુ વિશ્વવિદ્યાલયના પશુ રોગ માટેની એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે ૮ પોલીટેકનીક, ૨ ડેરી વિજ્ઞાન અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના રમતવીરોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રમતગમત એ માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહિ પરંતુ માનસિક તંદુરસ્તી પણ અત્યંત આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે વસંતના પ્રારંભમાં રમતગમત સ્વાસ્થપ્રદ રહે છે, આવા સમયે રમતોત્સવનું આયોજન કરવા બદલ તેમણે વિશ્વવિદ્યાલયના અધિકારીઓની પ્રશંસા કરી હતી.
માંડવિયાએ જણાવ્યું હતું કે રમતગમત એ જીવનનો ભાગ છે અને આથી જ બાળકોને રમવા માટે વધુ સમય મળે તે માટે પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે અભ્યાસક્રમ ઘટાડવાની જાહેરાત કરી છે. રમતગમત બાળકોમાં સામુહિકતાનો ભાવ કેળવે છે. શિસ્ત, એકાગ્રતા, સદ્ભાવના, પ્રમાણિકતા જેવા જીવનના ગુણો રમતનું મેદાન સહજતાથી શીખવી જાય છે. આ પ્રસંગે કામધેનુ વિશ્વવિદ્યાલયના કુલપતિ અન્ય કર્મચારીગણ, રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆજે લાખોની લકઝુરીયસ ગાડીઓ લઈ ધારાસભ્યો પ્રજાની સેવામાં
Next articleરાજકોટ જનવિજ્ઞાન જાથા દ્વારા ‘ફાગ’ પર્વની ઉજવણી કરાઈ