કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે આયોજિત ત્રિદિવસીય સંસ્કૃત -સત્રનું આજે ’વાચસ્પતિ પુરસ્કાર’ તેમજ ’ભામતી પુરસ્કાર’ અર્પણવિધિ સાથે સમાપન થયું. એ પૂર્વે સત્રની પાંચમી અને અંતિમ સંગોષ્ઠી પ્રોફેસર શુચિતા મહેતાના સંચાલન અંતર્ગત શશીપ્રભા કુમાર દ્વારા “શંકરાચાર્ય ઔર વૈશેષિક દર્શન” પર પ્રવચન પ્રસ્તુત થયું.વક્તાએ પોતાના વિષયને વળગી રહીને અત્યંત સ્પષ્ટ, સુરેખ અને ગહનતાને સરળતાથી સમજી શકાય એવી સુંદર અને સ-રસ રીતે, મધુર વાણીથી પોતાના વિચારો રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
ગૌતમ પટેલ અને એસ.આર ભટ્ટના પ્રાસંગિક ઉદ્બોધન બાદ ચાલુ વર્ષનો (૨૦મો) વાચસ્પતિ પુરસ્કાર- વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાન શ્રી બલદેવાનંદ સાગરને તેમ જ બીજો ભામતી પુરસ્કાર શ્રીમતી નીલાંજના શાહને બાપુના વરદ હસ્તે અર્પણ થયો.
નગીનદાસ સંઘવીના સંક્ષિપ્ત ઉદ્બોધન બાદ બાપુએ પોતાના પ્રસન્નતા પૂર્ણ પ્રવચનમાં કહ્યું કે “શ્રવણ કરવું અને આંતરિક વિકાસ-વિશ્રામ માટે ઉપયોગી હોય, તે ગ્રહણ કરવું એજ મારો હેતુ છે. કશું વર્ણન કરવાની મારી માનસિકતા નથી.
પૂજ્ય બાપુએ અંતિમ સંગોષ્ઠિના વક્તા શશીપ્રભાબેનને ભાવપૂર્ણ અને વિષય વસ્તુને વળગી રહીને અપાયેલા પ્રવચન બદલ ધન્યવાદ આપ્યા.તપ અને સ્વાધ્યાય તેમજ ગુરુમુખી વાણી દ્વારા જે પ્રસ્તુત થાય છે એમાં એક અનેરી રોનક પ્રકટે છે. બાપુએ વક્તાઓને સંબોધીને જણાવ્યું કે- ’આપ સૌ માટે બોલવું સહજ હતું પણ અમારા માટે એ સૌભાગ્ય હતું.’
બાપુએ સંન્યાસીના લક્ષણ દર્શાવતા કહ્યું કે” આરંભાયેલા ઉપક્રમને વિવેકપૂર્વક અંત તરફ લઈ જાય તે સંન્યાસી છે.” “આદિ શંકરાચાર્ય ગુરુના સિદ્ધાંતોનું શ્રવણ કરતાં મને રામચરિત્ માનસનું દર્શન થતું. આ બધા જ સુત્રોને તુલસીદાસજીએ રામચરિતમાનસમાં શંકરાચાર્યના પ્રસાદ તરીકે દર્શાવી દીધા છે.” બાપુએ કહ્યું કે શંકરાચાર્યજી તરફનો તેમનો પ્રેમ સ્વાભાવિક છે.એમના પિતાના ગુરુબંધુ વિષ્ણુ દેવાનંદ ગિરિજી મહારાજે એને બળ પુરું પાડ્યું. નિમ્બાર્કી પરંપરા, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય પણ બાપુને પ્રિય છે. ” સબ મમ પ્રિય, મમ સબ અપનાયે ” – કહીને બાપુએ આચાર્યોની વંદના કરી.બાપુએ પોતાના બાળપણના અનુભવો ને યાદ કરતા કાંટાળા બાવળનું સ્મરણ કર્યું. તેમણે કહ્યું કે ભલે કાંટા હોય, પણ એને મૂળમાંથી ઉખેડી ન નખાય. બાવળના છાંયામાં બેસાય, પચે તો એના પરડા ખવાય, એના દાતણથી દંતમંજન કરાય.શંકરાચાર્યજીએ કોઈના મુળિયા ઉખાડયા નથી. એમણે અન્ય દર્શનનનું ખંડન કર્યું છે તે દ્વેષમુલક નથી.
ઇષ્ટ તર્ક કરો, શ્રેષ્ઠ તર્ક કરો, પણ દુષ્ટ તર્ક કદી ન કરો. શંકરાચાર્યજીએ આપણી વાણીની બદબુ ખત્મ થઈ જાય, આપણા મુખ નું મંજન થઇ જાય અને આપણી વાણીમાં ખુશ્બુ પ્રગટે એ માટે દર્શનોમાં જે કંટકો જણાયા તેને તેમણે હટાવ્યા છે અને એ રીતે તેમણે ખંડન નહીં પણ મંડન કર્યું છે.
સંસ્કૃત સત્રના પોતાના પ્રસન્નતાપૂર્ણ શ્રવણને યાદ કરીને બાપુએ કહ્યું કે ’આગાજ બહોત અચ્છા હુઆ હૈ, અંજામ ખુદા જાને !!’ બાપુએ જણાવ્યું કે મને કોઈ તરફ સુગ નથી અને હું ઈચ્છું કે વિશ્વમાં કોઈ ધર્મ કે સંપ્રદાય તરફ કોઈને સુગ ન હોય. તર્ક હોય તો તે દ્વેષ-મુક્ત હોય. હું વ્યાસપીઠ પર બેસીને સૌને અપનાવતો રહું છું. અશાસ્ત્રીય એટલે શાસ્ત્ર વિરોધી નહીં, અશાસ્ત્રીય એટલે પરંપરાથી થોડા અલગ. “વચમાં જે શાસ્ત્રના નામથી ઘુસી ગયું, એને વિવેકપૂર્વક અલગ કરવું” – એવો અહીં અર્થ છે. જૈન ક્ષમાપના પર્વના સંદર્ભમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે પોતાનો કોઈ ઈરાદો ન હોવા છતાં કોઈને કશી ઠેસ લાગી હોય તો આજે સહુને મિચ્છામિ દુક્કડમ.” બાપુએ કહ્યું કે કોઈ કંઈપણ બોલે, પોતે કોઈને જવાબ આપતા નથી એનો અર્થ પોતાનું અભિમાન નથી. પરંતુ વાણી પરમના ગુણ-કથન માટે છે, એકબીજાને જવાબ આપવા માટે નથી.