થોડા સમય પહેલા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પર આઈસીસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યારબાદ તે ટીમના ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહેવાનું શરૂ કરી દીધુ હતું. હવે ટીમના કેપ્ટન તથા અનુભવી બેટ્સમેન હેમિલ્ટન મસાકાડઝાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. તેના આ નિર્ણય બધાને ચોંકાવી દીધા છે. હેમિલ્ટન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટ્રાઈ સિરીઝ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. તેના આ નિર્ણયની જાણકારી ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર પર આપી છે. હેમિલ્ટન મસાકાડઝાને ઝિમ્બાબ્વે દિગ્ગજ ક્રિકેટરોમાં સામેલ કરવામાં આવે છે. તે પોતાની ટીમ માટે ૧૮ વર્ષથી રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ૩૬ વર્ષના હેમિલ્ટને ૧૭ વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે ૨૦૦૧મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હરારેમાં ૧૧૯ રન બનાવ્યા હતા અને આટલી નાની ઉંમરમાં ટેસ્ટ સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો અને વિશ્વનો ચોથો ખેલાડી બન્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ક્રિકેટથી ૩ વર્ષનો બ્રેક લીધો હતો. ત્યારબાદ જ્યારે તે પરત ફર્યો ત્યારે તે ફોર્મમાં નહતો અને તેને ટીમમાં તક ન મળી. ત્રણ વર્ષ સુધી ટીમથી બહાર રહ્યાં બાદ તેણે વર્ષ ૨૦૦૫મા ફરીથી ટીમમાં પરત ફર્યો હતો. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી પરંતુ તે સફળ ન રહ્યો. પર્દાપણ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તેને બીજી સદી ફટકારવામાં ૧૦ વર્ષ લાગ્યા હતા. ૨૦૧૧મા બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં તેણે ૧૦૪ રન બનાવ્યા હતા. હેમિલ્ટને ૩૮ ટેસ્ટમાં ૩૦.૦૪ની એવરેજથી ૨૨૨૩ રન બનાવ્યા જેમાં ૫ સદી અને ૮ અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર ૧૫૮ રન છે. આ સિવાય તેણે ૬૨ ટી૨૦ મેચ રમીને ૨૫.૪૮ની એવરેજથી ૧૫૨૯ રન બનાવ્યા છે.