કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદ ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, આંતરજ્ઞાતિય લગ્ન તેમજ એટ્રોસિટીના કેસો વિષે માહિતી મેળવી હતી.
સમીક્ષા બેઠક બાદ પત્રકારોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં એટ્રોસિટીના આશરે ૧૩૫૫ કેસ તથા વર્ષ ૨૦૧૭-૧૮માં એટ્રોસિટીના આશરે ૧૧૪૧ કેસો નોંધાયા છે. આ કેસોમાં ૨૦૧૬-૧૭ માં આશરે ૩૫ કરોડ ૪૧ લાખ રૂપિયાની સહાય જ્યારે ૨૦૧૭-૧૮ માં આશરે ૧૫ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જો કે તેનો સજા દર માત્ર ૪.૫ ટકા જેટલો જ નોંધાયો છે, જે ચિંતાજનક છે, એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ આ મુદ્દે અધિકારીઓને ધ્યાન આપવા અને સજાનો દર વધારવા આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ આશરે ૫,૬૭,૫૨૯ જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આશરે ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આંતર જ્ઞાતિય લગ્નો ૨૦૧૬-૧૭ માં ૬૬૭ જ્યારે ૨૦૧૭-૧૮ માં ૧૩૭ નોંધાયા છે, જેમને ૫૦ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે.
ઉના કેસ મુદ્દે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪૩ લોકો અને ૪ પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, પીડિતોને આશરે ૨૪,૨૫,૫૨૦ રૂપિયાની મદદ પણ કરવામાં આવી હોવાની માહિતી તેમને અધિકારીઓએ આપી હતી.
રામદાસ આઠવલેએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. બેઠક બાદ તેઓએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદના ઉદ્ઘાટન સમાંરભમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું હતું.