ભારત અને હિન્દુઓને બદનામ કરવાનો આરોપ લગાવતા નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસેના ના આઈટી સેલના સભ્ય રમેશ સોલંકીએ એફઆઆઈર દાખલ કરાવી છે. એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં નેટફ્લિક્સ પર હિન્દુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મીડિયા સર્વિસ પ્રોવાઇડર નેટફ્લિકસ એક અમેરિકન કંપની છે. છેલ્લા ઘણા વર્ષોથી તે ભારતમાં મનોરંજન ક્ષેત્રમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અનેક પ્રસિદ્ધ વેબ સિરીઝને કારણે લોકો નેટફ્લિક્સ વિશે જાણે છે. જોકે, વિવાદો સાથે પણ તેનો નાતો રહ્યો જ છે.
ફરિયાદી રમેશ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે કે એવા કન્ટેન્ટ (સાહિત્ય)નું સર્જન કરી રહ્યું છે જેનાથી વિશ્વમાં હિન્દુઓ અને ભારતની ખોટી છબિ ઉભી થઈ રહી છે.
આ મામલે રમેશ સોલંકીએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદની કોપી અને વીડિયો પૂરાવા સાથેની સીડી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત સાઇબર સેલ અને પોલીસ કમિશનરને પણ આની કોપી આપવામાં આવશે.
રમેશ સોલંકીએ આક્ષેપ લગાવ્યો કે નેટફ્લિક્સની દરેક સિરીઝમાં હિન્દુઓને બદનામ કરવાનો પ્રયાસ થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ તે લોકો એવું કન્ટેન્ટ બતાવી રહ્યા છે જેનાથી દેશના ખરાબ છબિ ઉભી થઈ રહી છે.