સેન્સેકસમાં ૧૬ર પોઈન્ટનો વધારો

354

એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને ઇન્ફોસીસ સહિત શ્રેણીબદ્ધ પસંદગીના બ્લુચિપ કાઉન્ટરો ઉપર જોરદાર લેવાલી જામતા શેરબજારમાં ખુશીનો માહોલ રહ્યો હતો. જો કે, લેવાલી જામતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. બ્રોડર માર્કેટમાં નિરાશા રહી હોવા છતાં આજે શેરબજારમાં રિકવરી થઇ હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરીને ૩૬૭૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહેતા તેના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે હાલના નિરાશાજનક આંકડા બાદ મારુતિના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૬૭૭૬ની ઉંચી અને ૩૬૪૦૯ની નીચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક નિફ્ટીમાં ૪૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૮૪૫ રહી હતી. નિફ્ટીના ૫૦ શેર પૈકી ૩૦ શેરમાં તેજી અને ૨૦ શેરમાં મંદી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ તેજીમાં રહી હતી. આજે કારોબાર દરમિયાન બીએસઈમાં ૨૫૫૭ શેરમાં હલચલ જોવા મળી હતી જે પૈકી ૧૨૦૩ શેરમાં તેજી અને ૧૧૮૮ શેરમાં મંદી રહી હતી. ૧૬૬ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૮ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૩૨૬૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૪૦૬ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. મિડિયા અને રિયાલીટીના કાઉન્ટરો ઉપર પણ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૬૭૮૨ રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો સનફાર્માના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે મારુતિના શેરમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હરિયાણા પ્લાન્ટમાં બે દિવસ માટે ઓપરેશન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૭૭૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૬૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. એનએસઈમાં બેચમાર્ક નિફ્ટીમાં ૨૨૫ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૦૭૯૮ સુધી નીચે પહોંચી હતી. સરકાર અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આઈડીબીઆઈ બેંકમાં ૯૨૫૭ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દેવામાં આવ્યા બાદ તેના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે તેજીનો માહોલ આમા રહ્યો હતો. જૂન ત્રિમાસિકના જીડીપી ગ્રોથ છ વર્ષની નીચી સપાટીએ પહોચી ગયા બાદ આની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે.

કોર સેક્ટરની આર્થિક સુસ્તી પણ મંદીના સંકેત આપી રહી છે. જુલાઈ મહિનામાં આઠ સેક્ટરોવાળા કોર સેક્ટરમાં પ્રોડક્શન માત્ર ૨.૧ ટકાના દરે વધતા ચિંતા વધી છે. કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી જેવા સેક્ટરમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણના આંકડાથી પણ બજારમાં નિરાશા પ્રવર્તી રહી છે.

Previous articleરિયલ એસ્ટેટ માટે રાહતની જાહેરાત કરવાની તૈયારીઓ
Next articleકૂવામાં કૂદેલા બનેવીને બચાવવા માટે બે સાળાઓ પણ કૂદ્યા