રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ એક સોસાયટીમાં એક યુવતી રહેતી હતી. તેણે ગત સોમવારે સાંજે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી યુવતીએ લખેલી સ્યૂસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં હકીકત લખી હતી. સ્યુસાઇડ નોટ પરથી પોલીસે લવજેહાદનો કિસ્સો હોવાનું બહાર આવ્યું હતું.
રાજકોટ પોલીસે આ ઘટનામાં જણાવ્યું કે, યુવતીના પિતાને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમાંથી એક પુત્રીને શિવપરા વિસ્તારમાં રહેતા જમીલ સોલંકી નામના ઇસમે પોતાની જાળમાં ફસાવી હતી. જમીલે પોતાની સાચી ઓળખ અને ધર્મ છુપાવી રાખીને પોતાની માયાજાળમાં યુવતીને ફસાવતો ગયો હતો, પરંતુ જમીલનો સાચો ચહેરો બહાર આવતા યુવતી સમસમી ગઇ હતી અને જમીલને છોડી પરત પોતાના ઘરે આવી ગઇ હતી, પરંતુ જમીલ તેનો પીછો છોડતો નહોતો.
જમીલની ધમકીઓથી યુવતી ત્રાસી ગઇ હતી. જેથી તેણે પોતાની સંગાઇ પોતાના જ્ઞાતિના યુવક સાથે કરી નાખી હતી. પરંતુ નિર્ભયાની સગાઇ થતાં જમીલ ઉશ્કેરાયો હતો. તેણે યુવતીના મંગેતરને ફોન પર ધમકીનો દોર શરૂ કર્યો હતો. મંગેતરે જમીલની ધમકી અંગે વાત કરતા યુવતી ચિંતિત બની હતી અને મંગેતર તથા પોતાને જમીલ જીવવા નહીં દે તેવું લાગતાં અંતે તેણે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે બનાવ અંગે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જમીલને સકંજામાં લઇ તપાસ શરૂ કરી હતી.
રાજકોટની યુવતીને આપઘાતની દુષ્પ્રેરણા બદલ આરોપી જમીલ અને તેની માતાની ધરપકડ કરી હતી.