મુંબઈ તેમજ આસપાસના જિલ્લામાં સતત મૂશળધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સ્થિતિ કફોડી બની ગઈ છે. ભારે વરસાદથી બુધવારે મુંબઈ ફરી એક વખત તરબોળ થયું છે. વરસાદને પગલે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેને પગલે બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ કર્યો છે. વરસાદને લીધે બસોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિકોને દરિયા કિનારા નજીક નહીં જવા સુચના આપવામાં આવી છે.
મુંબઈમાં બુધવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાથી કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટ પાસેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયનમાં પણ રસ્તા પર સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. બેસ્ટની બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી માર્કેટમાં પાણી ભરાતા બસોને ભાઉદાજી રોડ અને સુલોચના શેટ્ટી રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાયન રોડ ૨૪ અને વલ્લભ રોડ પર પાણી ભરાતા બસોને સાયન રોડ ૩ તરફ ડાયવર્ટ કરવા આદેશ અપાયો હતો.
વરસાદને પગલે હાર્બર લાઈન પર ટ્રેનો વિલંબથી ચાલી રહી છે અને કેટલીક ટ્રોન રદ કરવાની પરજ પડી છે. ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી મુંબઈ લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. સબઅર્બન લાઈનમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે. વિરારમાં ટ્રેક ફેલ થતા વસઈ અને વિરાટ વચ્ચે ટ્રેનો ઓછી દોડી રહી છે. એસી લોકલ ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે ચાલશે.
બીએમસીએ ભારે વરસાદને પગલે બુધવારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. જે સ્કૂલોમાં બાળકો પહોંચ્યા હોય તેમને શાળા મેનેજમેન્ટ સુરક્ષિત ઘરે પહોંચાડે તેવો આદેશ બીએમસીએ કર્યો હતો.
ઠાણે અને નવી મુંબઈમાં બુધવારે સવાર સુધીમાં ચોવીસ કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. મુંબઈ રોડ પર પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.