મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા, ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે, ધક્કા ન ખાવા પડે, પાઇ-પૈસો આપવા ન પડે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જિલ્લાતંત્રો ઊભી કરે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નાનામાં નાના સામાન્ય માનવીને પણ પોતાની આશા-આકાંક્ષા મુજબનું શાસન છે તેની જન અનૂભુતિ થાય, ગુડ ડિલીવરીઝ મળે તે જ આપણો ધ્યેય છે. મુખ્યમંત્રીએ જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ, લાયસન્સ, પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ કલેકટરો-ડી.ડી.ઓ.ને પ્રેરણા આપતાં કહ્યું કે, રૂટિન કામગીરી તો પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ થાય છે. તમારે ૈં.્. સિસ્ટમ, ડેટા કલેકશન, કોમ્પ્યુટર બધા જ અદ્યતન સાધનોના ઉપયોગથી બદલાવ-ચેઇન્જ લાવી નવા નિર્ણયો કરવાની માનસિકતા કેળવવી પડશે. મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે દુષ્કાળની સ્થિતીમાં ઘાસચારા તથા સબસિડી વિતરણમાં કોઇ જ ફરિયાદ રહિત ઉમદા કામગીરી અને વરસાદની સ્થિતીમાં તંત્રવાહકોએ કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. નીતિનભાઇ પટેલે આ બેઠકને સંબોધન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના સતત મોનિટરીંગને પરિણામે જિલ્લા કલેકટરો-ડી.ડી.ઓ સાથે જીવંત સંપર્ક રહે છે. આના પરિણામે દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ, ભારત સરકારની યોજનાઓમાં ગુજરાત પારદર્શીતા સાથે અમલમાં અગ્રેસર રહ્યું છે. તેમણે રાજ્યમાં રોગચાળો ન વકરે કે વ્યાપક ન બને તે માટે કલેકટરો-ડી.ડી.ઓ સ્થળ મુલાકાતો, સરપ્રાઇઝ વિઝીટ અને રૂટ બદલીને જે તે સ્થળે જાતનિરીક્ષણ માટે જાય તેવી તાકિદ કરી હતી.
મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલ, પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવો બેઠકમાં જોડાયા હતા.