વિશ્વવિખ્યાત તીર્થધામ સારંગપુરમાં આવેલ અક્ષરપુરુષોત્તમ મંદિરની યજ્ઞપુરુષ ગૌશાળા ઉચ્ચ ઓલાદના પશુઓ માટે પ્રખ્યાત છે. આ ગૌશાળાના ગાય, ભેંસ, ઘોડા, પાડા આદિ પશુઓ અવારનવાર ગુજરાત તેમજ સમગ્ર ભારતના વિવિધ હરિફાઈઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા હોય છે. તાજેતરમાં તરણેતરના જગપ્રસિદ્ધ મેળામાં પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય કક્ષાના પશુમેળા સ્પર્ધામાં અંદાજે ૨૨૫ પશુઓએ ભાગ લીધો હતો. જેમાં સારંગપુરમના અક્ષરપુરુષોત્તમ મંદિરની ગૌશાળાના ૭૫૦ કિ.ગ્રા. વજન ધરાવતા અઢી વર્ષના જાફરાબાદી પાડા ‘રાજનાથ’ ને ‘ચેમ્પીયન ઓફ ધ શો’ તરીકે જાહેર કરીને રૂ ૫૧ હજારના રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર – ટ્રોપી જાહેર કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાફરાબાદી ભેંસની કેટેગરીમાં આ જ ગૌશાળાની ભેંસ ‘કનકસતી’ ને દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આમ રાજ્યની આ ૧૧મી પશુ પ્રદર્શન હરિફાઈમાં સારંગપુરની ગૌશાળાના પશુઓએ અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બીએપીએસ સારંગપુરની આ ગૌશાળા રાજ્ય અને દેશ સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે જાતે રસ લઈને ગૌશાળાના સંવર્ધન માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આજે પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ પશુઓની માવજત માટે કટિબદ્ધ છે. ગૌશાળાની સ્વચ્છતા અને પશુઓના સ્વાસ્થ્ય માટે તેમને નિષ્ણાત કાર્યકરોની વ્યવસ્થા કરી છે. સારંગપુરની આ ગૌશાળા સમગ્ર રાજ્યમાં એક નવી ભાત પાડે છે.