ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમિંગ પુલ ખાતે તારીખઃ૦૪/૦૯/૨૦૧૯ ના રોજ યોજાયેલ તરણ સ્પર્ધામાં બાળકો ના કોચ અને શાળાના આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો એ તરણ સ્પર્ધા ની ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ,૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલ,૧૦૦ મીટર બેક સ્ટ્રોક,૧૦૦ મીટર બટર ફલાય ,૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક એમ અલગ અલગ ઇવેન્ટમાં એક થી ત્રણ માં કુલ ૧૯ નંબર મેળવી શાનદાર સફળતા મેળવી છે.
ગ્રામ્ય કક્ષાએ સ્વીમીંગ પુલની સુવિધાઓ ન હોવાથી શાળાના આચાર્ય અને આ બાળકોના કોચ બી.એ.વાળાએ પોતાની વાડીના તળાવને જ સ્વીમીંગ પુલ તરીકે ઉપયોગ કરી શાળા સિવાયના સમયે અને રજાઓમાં પણ દરરોજ પોતે આ બાળકોને નિયમિત પ્રેકટીસ કરાવતા હતા જેના પરિણામે શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા ૮ બાળકોએ પ્રથમ નંબર, ૬ બાળકોએ બીજો નંબર, ૩ બાળકોએ ત્રીજો નંબર મેળવી કુલ ૧૯ મેડલ મેળવ્યા છે, અને કુલ રૂપિયા. ૩૩ હજારના ઇનામો જીત્યા છે,જે રકમ સીધી બાળકોના બેન્ક ખાતામાં જમા થશે.આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે પણ આ તળાવમાં પ્રેક્ટિસ કરીને શાળાના બાળકો એ જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં ૧૪ મેડલ મેળવ્યાં હતા,તેમજ કોચ બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ છેલ્લાં છ વર્ષ થી તેમના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં મેડલ મેળવી રાજ્ય કક્ષાએ જઇ રહ્યા છે તેમજ સ્પોટ્ર્સ સ્કૂલ માં પણ પાંચ બાળકો એ પ્રવેશ મેળવેલ છે,સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની વાડી ના તળાવમાં શાળા સિવાયના સમયે અને રજાઓમાં પણ નિયમિત સ્વીમીંગ ની બિલકુલ ફ્રી માં પ્રેક્ટિસ કરાવતા હોય અને બાળકો દર વર્ષે આટલા મેડલ મેળવતા હોય એવું સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમવાર બની રહ્યું છે.મોટી પાણીયાળી કે.વ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ શાનદાર સફળતા મેળવતા સમગ્ર ગામમાં આનંદ ની લાગણી ફેલાઈ છે અને આ તમામ બાળકો અને તેના કોચ બી.એ.વાળા ને ગામના સરપંચ, શાળાની એસ.એમ.સી. કમિટી, ખેલાડીઓના મેનેજર રાજનભાઈ અને શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.