શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૮૦ પોઇન્ટ ઘટીને ૩૬૬૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો. એચડીએફસીના શેરમાં આશરે ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો. એચડીએફસી ટિ્વન, ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરે ઇન્ડેક્સમાં ઘટાડામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ફ્રન્ટ લાઈન ઇન્ડેક્સ નિફ્ટી ૩ પોઇન્ટ સુધરીને ૧૦૭૪૮ની સપાટી પર રહ્યો હતો. ૩૪ શેરમાં તેજી અને ૧૬ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ મોરચા પર રિયાલીટીના શેરમાં સૌથી કફોડી હાલત રહી હતી. ફાઈનાન્સિયલ સર્વિસ કાઉન્ટરો ઉપર પણ આવી જ સ્થિતિ રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૫૬ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૩૨૮૩ રહી હતી. ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરીને ૩૬૭૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક નિફ્ટીમાં ૪૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૮૪૫ રહી હતી. સરકાર અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આઈડીબીઆઈ બેંકમાં ૯૨૫૭ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દેવામાં આવ્યા બાદ તેના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે તેજીનો માહોલ આમા રહ્યો હતો. જૂન ત્રિમાસિકના જીડીપી ગ્રોથ છ વર્ષની નીચી સપાટીએ પહોચી ગયા બાદ આની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે. કોર સેક્ટરની આર્થિક સુસ્તી પણ મંદીના સંકેત આપી રહી છે. જુલાઈ મહિનામાં આઠ સેક્ટરોવાળા કોર સેક્ટરમાં પ્રોડક્શન માત્ર ૨.૧ ટકાના દરે વધતા ચિંતા વધી છે. કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી જેવા સેક્ટરમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં સર્વિસ સેક્ટર પણ મુશ્કેલીમાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
પીએમઆઈ ઘટીને ૫૨.૪ની સપાટી પર પહોંચતા નિરાશા જોવા મળી રહી છે. દેશના સેવા ક્ષેત્રની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં ધીમી દેખાઈ રહી છે. એકનવા માસિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએચએસ માર્કેટના ઇન્ડિયા સર્વિસેસ બિઝનેસ એક્ટિવીટી પીએમઆઈ ઇન્ડેક્સ ઓગસ્ટ મહિનામાં ઘટીને ૫૨.૪ની સપાટી ઉપર છે. જુલાઈમાં આ આંકડો ૫૩.૮ રહ્યો છે જે હાલના આંકડા ઉત્પાદનમાં વધારાના દરમાં કમીને દર્શાવે છે.