સુપ્રીમ કોર્ટે મેહબૂબા મુફ્તીની પુત્રીને શ્રીનગર જવાની અને તેમની માતા સાથે મળવાની મંજૂરી આપી દીધી છે. મેહબૂબા મુફતી ગયા એક માસથી તેમના ઘરમાં નજરબંધ છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સાથે મળવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઇલ્તિજાને શ્રીનગર જવાની અને માતા મેહબૂબા મુફ્તી સાથે મળવાની મંજૂરી આપી દીધી હતી.
ઇલ્તિજાએ જણાવ્યું હતું કે, તેઓ તેમની માતાના આરોગ્યને કારણે ચિંતિત છે અને તેઓ ગયા એક માસથી તેમની માતા સાથે મુલાકાત કરી શક્યા નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે સહિત જસ્ટિસ એસએ નજીરની બેન્ચે ઇલ્તિજાની અરજી પર સુનાવણી કરી હતી.
અગાઉ ૨૮ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સીપીઆઇના નેતા સિતારામ યેચુરીને તેમની પાર્ટીના નેતા મોહમ્મદ યુસુફ તારિગામીને મળવાની મંજૂરી આપી હતી. પરંતુ કોર્ટે શરત રાખી હતી કે તેઓ માત્ર તેમના આરોગ્ય અંગે જ વાત કરી શક્શે.