બ્રેટ લીએ ગુજરાત સરકારે શરૂ કરેલા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની પ્રશંસા કરી

382

કોકલિયરનાં ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર અને મહાન ક્રિકેટર બ્રેટ લી આજે યુનિવર્સલ ન્યૂબોર્ન હીયરિંગ સ્ક્રીનિંગ (યુએનએચએસ) માટેની જરૂરિયાત અને બહેરાશની સમસ્યાથી પીડિત લોકો માટે સારવાર માટે જાગૃતિ લાવવા શહેરમાં હતાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાંક વિક્રમો તોડનાર વિશ્વનાં મહાન ફાસ્ટ બોલરોમાંનાં એક અને ઓસ્ટ્રેલિયાનાં આ ભૂતપૂર્વ ક્રિકેટર સાંભળવાની ઊંડી સમસ્યા સાથે પીડિત લોકોનાં પડકારો વિશે જાગૃતિ લાવવા ભારતની મુલાકાતે છે. દુનિયામાં આ સમસ્યાથી ૪૬૬ મિલિયન લોકો  પીડિત છે.

બ્રેટ લીને સૌપ્રથમ વર્ષ ૨૦૧૫માં ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે ભારતમાં અનેક શહેરોની મુલાકાત લીધી છે. પોતાની મુલાકાતમાં તેઓ છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, પૂણે, ચંદીગઢ, કોચી, મૈસૂર, ત્રિવેન્દ્રમ, કોઝિકોડે, ગૌહાટી, અમૃતસર અને જયપુર જેવા શહેરોમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવનાર સેંકડો લોકોને મળ્યાં હતાં. તેઓ દેશમાં યુએનએચએસને ફરજિયાત બનાવવા સતત આગ્રહ કરી રહ્યાં છે. બ્રેટ લીનો આશય ભારતમાં તમામ રાજ્યોમાં એકસાથે આ પરીક્ષણને ફરજિયાત બનાવવામાં આવે એવો છે.

આ પ્રસંગે બ્રેટ લીએ કહ્યું હતું કે, “હું આ પ્લેટફોર્મનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સાંભળવાની સમસ્યાનું સમાધાન કરવા ઇચ્છું છું, કારણ કે હું દ્રઢપણે માનું છું કે, દરેકને દુનિયાની ચહલપહલથી વાકેફ થવાનો અધિકાર છે. આ દુનિયામાં કોઈ ચૂપચાપ રહેવા બંધાયેલું નથી. બહેરાશની સમસ્યાનાં મહત્ત્વને હજુ પણ નજરઅંદાજ કરવામાં આવે છે, કારણ કે આ સમસ્યાનાં ચિહ્નો જોવા મળતાં નથી. છતાં આ સમસ્યાનાં આંકડા સ્પષ્ટ ચિતાર રજૂ કરે છેઃ દેશમાં જન્મ થતાં દર ૧,૦૦૦ બાળકોમાંથી ૫ બાળકો સાંભળવાની જટિલ સમસ્યાથી પીડિત છે. એકલા ગુજરાતમાં આ સમસ્યાથી ૧.૯૦ લાખ લોકો પીડિત છે. લોકોએ સમજવું જોઈએ કે આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે અને આ સમસ્યા વ્યક્તિને સંપૂર્ણ સક્રિય જીવન તરફ દોરી જતાં અટકાવી ન શકે. યુનિવર્સલ ન્યૂબોર્ન હીયરિંગ સ્ક્રીનિંગ (યુએનએચએસ) જીવનમાં વહેલાસર આ સમસ્યાનું સમાધાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સહિત ઘણાં વિકસિત દેશોમાં દરેક નવજાત બાળક માટે આ માટેનું પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને ભારતે પણ યુનિવર્સલ ન્યૂબોર્ન હીયરિંગ સ્ક્રીનિંગ (યુએનએચએસ)ને ફરજિયાત બનાવવાનો વિચાર કરવો જોઈએ.” વિશ્વ આરોગ્ય સંસ્થાનાં જણાવ્યા મુજબ, દુનિયામાં ૫ ટકા લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતાં નથી. એમાં ૩૪ મિલિયન બાળકો છે. જો નિવારણાત્મક પગલાં ન લેવામાં આવે, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં ૯૦૦ મિલિયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત હશે. તેમ છતાં મોટાં ભાગનાં લોકો એની સારવારનાં અત્યાધુનિક વિકલ્પોથી અજાણ છે.

કેરળ દેશમાં પ્રથમ રાજ્ય છે, જ્યાં ૬૧ સરકારી મેટરનિટી સેન્ટર્સમાં બાળકો માટે આ પરીક્ષણ પ્રદાન કરવામાં આવે છે.

Previous articleત્રણ માળનું જૂનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી, બેનાં મોત
Next articleનવજાત બાળકીને ત્યજીને ફરાર થઇ ગયેલા દંપતિની પોલીસે ધરપકડ કરી