દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં અતિ ભારે વરસાદના એક દિવસ બાદ પણ સ્થિતી આજે વિકેટ રહી હતી. જો કે માયાનગરી મુંબઇમાં જનજીવનને પાટા પર લાવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિમાની આજે સતત બીજા દિવસે ખોરવાઈ ગઇ હતી. ૩૦ ફ્લાઇટો રદ કરાઈ હતી. ૧૧૮ ફ્લાઇટોમાં વિલંબ થયો હતો. ૧૪ આવતી અને ૧૬ જતી ફ્લાઇટો આજે રદ કરાઈ હતી. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. દેશના બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ ખાતે બુધવારે ભારે વરસાદ બાદ આજે પણ કેટલીક સ્થિતિ સુધરી ન હતી. મુંબઈ એરપોર્ટ દરરોજ ૧૦૦૦ ફ્લાઇટો ઓપરેટ કરે છે. મુંબઇમાં જનજીવન હવે ધીમી ગતિએ ટ્રેક પર આવી રહ્યુ છે. જો કે હજુ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેથી લોકોને પુરતી રાહત નહીં મળે તેવી શક્યતા છે. ભારે વરસાદના કારણે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં લોકો હજુ પણ ભારે મુશ્કેલીમાં દેખાઇ રહ્યા છે. જો કે મુંબઇમાં ભારે વરસાદના કારણે ખોરવાઇ ગયેલી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ઠાણે વચ્ચેની મેઇન લાઇન તેમજ હાર્બર લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે.યાત્રીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાતરી કરવા માટે રેલવે પ્રધાન પિયુષ ગોયલે તમામ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યા છે. આઇએમડી દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી સ્કુલ અને કોલેજોને આજે પણ સાવચેતીના પગલારૂપે બંધ રાખવામાં આવી છે. મુંબઇમાં રૂટીન લાઇફને સામાન્ય કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.ે ટ્રેનો અને બસ હવે સમસસર દોડી રહી છે. બુધવારના દિવસે છ કલાક સુધી અતિ ભારે વરસાદ થતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ હતી. જેથી ત્રણ મોટા રૂટ પર ટ્રેનો બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના મોટાભાગના વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. વાહનોને પણ ભારે નુકસાન થયુ છે.
લોકોને તેમના ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. કેટલાક વિસ્તારમાં એનડીઆરએફની ટીમ એલર્ટ રાખવામાં આવી છે. સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. કુર્લા, પરેલ અને અંધેરી વિસ્તારમાં સાવેચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. મુંબઈમાં ગઇકાલે વહેલી પરોઢે વરસાદના કારણે કિંગ સર્કલ રેલવે સ્ટેશન, ગાંધી માર્કેટ, સાયન અને તમામ અન્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બસના રુટ કેટલીક જગ્યાઓએ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. માયાનગરી મુંબઈમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું હતું. લોકલ લાઈફલાઈન સમાન ગણાતી ઉપનગરીય સેવા પણ ઠપ થઇ ગઇ હતી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં આ મુશ્કેલી સર્જાઈ હતી. મુંબઈમાં બુધવારના દિવસે સવારે આઠ વાગ્યાથી લઇને મોડી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો હતો. મુંબઈના લોકો અતિ મુશ્કેલીમાં નજરે પડ્યા હતા. ગણેશ ઉત્સવની ઉજવણીની મજા બગડી હતી. માર્ગો, રેલ અને વિમાની સેવા પણ ખોરવાઈ ગઈ હતી. બસ અને ટ્રેન સેવા ઘણી જગ્યાએ બંધ કરવાની ફરજ પડી હતી. બચાવ કામગીરીમાં આરપીએફની ટીમો પણ જોડાઈ હતી. મીઠી નદી પર મોટી સંખ્યામાં લોકોને ખસેડવામાં આવ્યા હતા. આ નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી હતી. વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર પણ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી પહેલાથી જ કરી હતી. જેના કારણે સ્કુલો અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે મુંબઇમાં ટ્રેનો અને બસ સેવાને અસર થઇ હતી. કારણ કે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. હાઇ ટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે જેથી લોકોને દરિયા કિનારે ન જવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે હાર્બર લાઇન પર ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. ઉપનગરીય ટ્રેન સેવાને માઠી અસર થઇ રહી છે. ઉપનગરીય સેવા ચર્ચગેટથી વસઇ રોડ વચ્ચે ચાલી રહી છે. વિરારમાં ટ્રેક ફેલ થઇ જવાના કારણે વસઇ અને વિરાર વચ્ચે હાલમાં ઓછી ટ્રેનો ચાલી રહી છે. બીજી બાજુ મુંબઈમાં વરસાદ સંબંધિત બનાવોમાં ચાર લોકોના મોત થઇ ગયા છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૨ મીમી સુધીનો વરસાદ ખાબકી ગયો છે.