વાપીમાં આભ ફાટતા જળબંબાકાર : ૧૨ ઈંચ વરસાદ

527

હવામાન ખાતાની આગાહી મુજબ, આજે પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘણાખરા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જો કે, સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપી ખાતે ૧૨ ઇંચથી વધુ સાથે જાણે કે આભ ફાટયુ હતુ અને તેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જયારે પારડીમાં દસ ઇંચથી વધુ મેઘો ખાબકયો હતો. આટલા ભારે વરસાદના કારણે આ પંથકોમાં મોટાભાગના વિસ્તારો, માર્ગો, રસ્તાઓ, કોઝ વે પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, સ્થાનિક નદી-નાળામાં નવા નીરની સારી એવી આવક થઇ હતી. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ૧૦૦ ટકાને આંબી ગયેલા વરસાદના કારણે ખેડૂતો હાલ તો ચિંતામુક્ત છે. નદી, નાળા, ચેકડેમો સિંચાઇની સુવિધાઓ માટેની સમસ્યા દૂર થઇ જાય તેવો માફકસર વરસાદ પડ્‌યો છે.જૂલાઇના મધ્યેથી વરસાદ થંભી ગયા બાદ માસના અંત અને સપ્ટેમ્બરના પ્રારંભે ફરી મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે. અને મેધરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ વાપીમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોના દુકાનો, ઘરોમાં અને ઔદ્યોગિક એકમોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વલસાડ, વાપી તાલુકાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામમાં ૬ ઇંચથી વધુ, વલસાડમાં ૫.૬, ધરમપુરમાં ૪.૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ અને નવસારીના ગણદેવીમાં પણ ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વાપીના ગુંજન, છરવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જાહેર માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પારડી તાલુકામાં પણ ૯.૫ ઇંચ વરસાદના કારણે સવારે નોકરી ધંધે અને શાળા કોલેજ જનારા વિદ્યાર્થીઓ,ગામડેથી નોકરી જતા વર્ગના લોકોને  ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  તો, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાજુલાના નવા આગરીયા, મોટા આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ખાંભા પંથકમાં આજે સવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર પાંચ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. જયારે સુત્રાપાડામાં દોઢ ઇંચ અને વેરાવળ, ગીરગઢડામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ઉપલેટા, કોટડાસાંગાણી, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર, લોધિકા, વીંછિયા સહિતના પંથકોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. તો અમરેલી, જૂનાગઢ, માંગરોળ, જામનગર, ગીર સોમનાથ સહિતના પંથકમાં ગીર જંગલ વિસ્તાર, દીવ, ઉનાના વાવરડા, પાતાપર, ઉમેજ, ભાચા. ભડિયાદર, કાંધી અને પડાપાદર, ખાંભા, ઉમેજ સહિતના પંથકોમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો. દરમિયાન  અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ૭ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા જણાવી હતી ત્યારે વધુ બે દિવસ એટલે કે તા.૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સ્ટેટ મોનીટરીંગ સેલના આંકડા મુજબ, ગુજરાતમાં સીઝનનો કુલ ૧૦૩ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં બે તાલુકામાં ૨૦૦ ટકા જ્યારે ૩ તાલુકામાં ૨૦૦ ટકા જેટલો વરસાદ પડ્‌યો છે. તો, રાજયના ૫૯ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ, ૧૩૫ તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ, ૫૫ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ અને બે તાલુકામાં ૫થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ, મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે, અને આજે પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી હોઇ છેલ્લા ૩૬ કલાકમાં મુંબઈમાં ૨૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો રેલવે, રોડ અને હવાઈ સેવાઓ ઠપ થઈ ગઈ છે. મુંબઈના તમામ રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જતાં આજે મુંબઇથી ગુજરાત વચ્ચેની ત્રણ ટ્રેન રદ કરવામાં આવી હતી. ઉપરાંત રોડ રસ્તાઓ પણ ગળાડૂબ પાણી અને વિઝિબિલિટી ઘટતાં રોડ વ્યવહાર પણ ખોરવાયો હતો. તેમજ ગુજરાતથી મુંબઈ થઈને જતી કેટલીક ફ્‌લાઈટ રદ તો કેટલીક એક કલાકથી વધુ મોડી ઉપડી રહી હતી. આમ, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન, બસ અને ફલાઇટ સેવાને માઠી અસર પહોંચી હતી.

નર્મદાની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચતાં ખુશીનું મોજુ

કેવડિયા ખાતે ઉપરવાસમાંથી ભારે આવકને પગલે છેલ્લા ૨૭ દિવસથી નર્મદા ડેમમાં સારી એવી નવા નીરની આવક થઇ રહી છે, જેના કારણે નર્મદા ડેમમાંથી સતત ઓવરફ્‌લો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં વરસાદી પાણી અને ઉપરવાસના કારણે નવા નીરની આવક વધતાં ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચતાં ડેમની જળસપાટી ફરી એકવાર વધી હતી. તો, પાણીની જળસપાટી વધતાં અને સતત ઓવરફ્‌લોને કારણે ડેમના તમામ પાવર હાઉસ ધમધમતા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમમાંથી હાલ ૫,૩૪,૨૭૧ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ડેમના ૨૧ દરવાજા ખોલીને ૪,૪૭,૪૦૦ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.હાલ ડેમની સપાટ ૧૩૫.૬૫ મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા કેવડિયાનો ગોરા બ્રિજ ફરી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. નર્મદા ડેમમાં હાલ ૪૮૦૩.૨૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા ૨૭ દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

જેને પગલે ડેમમાંથી સતત ઓવરફ્‌લો થઇ રહ્યો છે અને તમામ પાવરહાઉસ પણ ધમધમી રહ્યા છે. ડેમના તમામ પાવરહાઉસ ધમધમતા થતાં વીજ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યારે બીજીબાજુ, નર્મદા ડેમની જળપાટી વધતાં અને ડેમમાં બે વર્ષ સુધી ચાલે એટલો પાણીનો જળસંગ્રહ થતાં ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

અંબાજીમાં વરસાદને પગલે ભાદરવી પૂનમની તૈયારીઓમાં વિક્ષેપ પડ્યો

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને યાત્રાધામ અંબાજી, પાલનપુર, હિંમતનગર શહેરો સહિત સાબરકાંઠા અને બનાસકાંઠા એમ બંને જિલ્લામાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થઈ હતી. વરસાદને પગલે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અંબાજીમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે એકબાજુ ભાદરવી પૂનમની તૈયારીઓ થઈ રહી હતી તેમાં વિક્ષેપ પડ્યો હતો. વરસાદને પગલે અંબાજીની બજારમાં પાણી ભરાયા હતા. જેને પગલે વેપારીઓ પરેશાન થી ગયા હતા.પાલનપુરમાં ગુરુવારે બપોરે કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને કડાકાભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદને પગલે બપોરે ૩ વાગ્યે વાહન ચાલકોએ લાઈટો ચાલુ કરવી પડી હતી.

સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંમતનગરના હડીયોલ, ગઢોડા, આકોદરા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડું થઈ ગયું છે.

Previous articleમાનવ નિર્માણનું સૌથી કઠિન છતાં સૌથી જરૂરી એવું કાર્ય ગુરૂજનો જ કરી શકે : આચાર્ય દેવવ્રત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે