શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે આર. ડી. ગાર્ડી અને ન.ચ.ગાંધી તથા ભા. વા. ગાંધી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આભાર અભિવ્યક્તિ અને સન્માન સમારંભ યોજાયો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આર. ડી. ગાર્ડી અને ન. ચ. ગાંધી તથા ભા. વા. ગાંધી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજનું ભાવનગર યુનિ. સાથે જોડાણ થવાથી આ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકારી નોકરી મેળવવા સહિતની બાબતે સરળતા થશે આપણા રાજ્યમાં સ્નાતક મહિલાઓનું પ્રમાણ માત્ર ૮ ટકા છે. રાજ્ય સરકારે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ થકી દિકરીઓ ભણી ગણી અને આગળ વધે ઉચ્ચ અભ્યાસ કરે તે દિશામાં નક્કર કામગીરી આરંભી છે સૌના સહિયારા પ્રયાસો થકી દિકરીઓના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારીમાં વધારો થશે
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. તેમણે ઉપસ્થિત લોકોને સૌએ સાથે મળી અનિષ્ટો સામે લડવા આહવાન કર્યુ હતુ.
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ પ્રકારના કાર્યક્રમ બદલ આયોજકોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના ગણમાન્ય લોકોનું સન્માન કરાયુ હતુ તેમજ તેમનો આભાર વ્યક્ત કરાયો હતો.
આ કાર્યક્રમમાં અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, મેયર નિમુબેન યુનિ. ના વાઈસ ચાન્સેલર, સેનેટ સભ્યો તથા ડો. ધીરેન વૈષ્ણવ, ગીરીશ વાઘાણી સહિત શહેરના પદાધિકારીઓ કોલેજોના પ્રોફેસરો, વિધાર્થીઓ, વિધાર્થીનીઓ સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા.