જો તમે જમ્મુ-કાશ્મીર નિવાસી છો તો દિલ્હીના કનૉટ પ્લેસમાં આપના માટે ખાસ ઑફર છે.
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-૩૭૦ હટ્યા બાદ કનૉટ પ્લેસની એક રેસ્ટોરાંમાં લોકોને આર્ટિકલ-૩૭૦ થાળી પીરસવામાં આવી રહી છે. કાશ્મીરી વ્યંજનોવાળી આ થાળીની સાથે કાશ્મીરીઓ માટે વિશેષ ઑફર પણ છે.
કનૉટ પ્લેસ સ્થિત રેસ્ટોરાંએ આ થાળી પર જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ ઑફર રૂપે ૩૭૦ રૂપિયાની છૂટ આપી છે. જોકે, તેના માટે માત્ર જમ્મુ-કાશ્મીરનું હોવું પૂરતું નથી, પરંતુ સરકારી ઓળખપત્ર દર્શાવવું પડશે. આ સુપર સાઇઝ થાળીમાં અનેક અન્ય રાજ્યોના ફ્લેવર પણ માણવા મળશે. અહીં શાકાહારી અને માંસાહારી બંને થાળીઓ મળી રહી છે.
આ રેસ્ટોરાંની શાકાહારી થાળીની કિંમત ૨,૩૭૦ રુપિયા છે, જ્યારે માંસાહારી થાળીની કિંમત ૨,૬૯૯ રૂપિયા છે. તેમાં ટેક્સનો ઉમેરો થશે. શાકાહારી મેનૂમાં ખાસ કાશ્મીરી પુલાવ, ખમીરનો રોટી, નદરૂની શામી, દમ આલૂ અને કહવા છે. બીજી તરફ, માંસાહારી થાળીમાં કાશ્મીરી પુલાવ, ખમીરની રોટી, નદરૂની શામી, રોગન જોશ અને કહવાનો સ્વાદ માણી શકાશે.