જમ્મુ-કાશ્મીરની રણજી ટીમ ગુરુવારે રાત્રે હવાઈ માર્ગે વડોદરા આવી પોહચી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણય બાદ સલામતીના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની ટીમ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૦ દિવસ માટે પ્રૅક્ટિસ કરશે. કાશ્મીર રણજી ટીમના મેન્ટર ક્રિકેટર ઈરફાન પઠાણ અને કોચ મિલાપ મેવાડા છે. આ બંને વડોદરાના છે. જમ્મુ-કાશ્મીરમાં હજી જનજીવન સામાન્ય ન થતા ક્રિકેટનો કેમ્પ વડોદરા ખાતે ખસેડાયો છે.
ગુરુવારે રાત્રે હરણી વિમાન મથકે જમ્મુ-કાશ્મીરના ૨૭ ક્રિકેટર્સ સહીત સપોર્ટ સ્ટાફ વડોદરા આવી પહોંચ્યો હતો. જમ્મુ-કાશ્મીર ખેલાડીઓ આગામી રણજી સિઝન માટે તૈયારીઓ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર ટીમના કેપ્ટન પરવેઝ રસૂલે મડિયાથી અંતર રાખ્યું હતું.
તમામ ખેલાડીઓને વોલ્વો બસમાં ભાયલી ખાતે લઇ જવામાં આવ્યા હતા. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોએ જમ્મુ-કાશ્મીર ટીમની પ્રૅક્ટિસ માટે કોઈ પણ ચાર્જ લીધો નથી. જોકે, જમ્મુ-કાશ્મીરની ટીમ વડોદરામાં આવી પહોંચતા આઈબી સહિતની સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઈ છે.
આ ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા રહે તેવી શક્યતા છે. ૧૦ દિવસના પ્રેક્ટિસ સેશન દરમિયાન જમ્મુ-કાશ્મીર ટીમના ખેલાડીઓ લક્ષ્મી વિલાસ પેલેસ અને સ્ટૅચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે.