વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લાંચિયા કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવા માટે આજરોજ સ્થાયી સમિતિની રેક્વિઝિશન મિટીંગ મળી હતી જે મુકુન્દ પટેલને સસ્પેન્ડ કરીને માત્ર ૫ મિનિટમાં પૂરી થઇ હતી.
કાર્યપાલક એન્જિનિયર મુકુંદ પટેલ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા દોઢ લાખની લાંચ લેતા તેમની ઓફિસમાં જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ મુકુન્દ પટેલને ડિટેઇન કર્યા હોવાથી સરકારના સામાન્ય વહીવટ વિભાગના ૧૮ નવેમ્બર ૧૯૮૬ના ઠરાવ મુજબ આવા અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે અને સ્થાયી સમિતિ અધિકારીને સસ્પેન્ડ કરી શકે છે.
જોકે, સસ્પેન્ડ કર્યાનો સ્થાયી સમિતિ રિપોર્ટ કોર્પોરેશનને સુપ્રત કરશે મુકુંદના સસ્પેન્શન અંગે નિર્ણય લેવાઈ ગયા બાદ હવે સમગ્ર સભામાં તે જાણ માટે રજૂ કરાશે. સસ્પેન્ડ કર્યા બાદ જરૂરી ઓર્ડર વગેરે કરવાની સત્તા સ્થાયી સમિતિએ કમિશનરને આપી છે સસ્પેન્ડ થયેલા મુકુંદને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન નિયમ મુજબ નિર્વાહ ભથ્થું આપવામાં આવશે.
કોર્પોરેશનમાં કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે ખાસ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ બોલાવી હોય તેવો આ છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ કિસ્સો છે. ૧૫ વર્ષ અગાઉ ૨૦૦૪માં તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર કે એસ સોલંકી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા અને તેમને સસ્પેન્ડ કરવા સ્ટેન્ડિંગ કમિટીની ખાસ મીટીંગ બોલાવવામાં આવી હતી.