સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૧ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પિલગાર્ડનનું આજે લોકાર્પણ યોજાયું હતું.
ભાવનગર મહાપાલિકાના ગાર્ડન વિભાગ સંચાલીત અને ભાવનગરના રાજવી દ્વારા નગરજનોને ધરેલ ઐતિહાસિક અને મહામુલી ભેટ સેવા પિલગાર્ડનનું તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. અધધ રૂપિયાના ખર્ચ બાદ પણ લોકો અપેક્ષાકૃત મુજબ સેવા ન મળતા અને તંત્રએ ખર્ચ કરેલ. જંગી રકમ મુજબ ગાર્ડનમાં ફેરફારો નવીનતા જોવા ન મળતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે મુદ્દે મહાપાલિકા વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવી પોતાની કામચલાઉ હાજરી દર્શાવી સંતોષ માન્યો હતો. એક તબક્કે નર્યો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના વ્યાપક આક્ષેપો પણ થયા હતા. આમ છતાં આ અંગે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને શહેરીજનો દ્વારા તથા વિપક્ષ દ્વારા ભગવા ભાજપ સંચાલિત મહાપાલિકાના સત્તાધીશો દ્વારા ભજવાયેલ ભ્રષ્ટાચારની ભવાઈ જોવા સિવાય કોઈ છુટકો ન હોય તેવું લાગી રહ્યું છે. આવા વાદવિવાદો બાદ આજરોજ તંત્રએ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, મેયર નિમુબેન બાંભણીયા, કમિશ્નર મનોજભાઈ કોઠારી, ડે.મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, શાસક પક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, અમોહ શાહ, સનત મોદી, રહિમભાઈ કુરેશી સહિત અધિકારીગણની ઉપસ્થિતિ વચ્ચે પિલગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.