કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરીમાર્ગ, શીપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ‘નવા ભારત માટેનું બજેટ’ વિષય પર ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કૃષિ, માળખાગત સુવિધાઓ, સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, સામાજિક સુરક્ષા, એમએસએમઈ, રોજગાર, ડીજીટલ ઇન્ડિયા તથા રેલવે સહિતના કેટલાક મહત્વના ક્ષેત્રોમાં ભારત સરકારે બજેટમાં કરેલી મહત્વની જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં કોઈ લોભામણી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક વર્ષમાં સરકારે કરવાના કામો અને તેના ઉદ્દેશ્યોનો ચિતાર આપવામાં આવ્યો છે. નવા ભારતની સંકલ્પના સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે નવું ભારત એટલે સ્વચ્છ ભારત, ગરીબી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, સંપ્રદાયવાદ મુક્ત ભારત, એવું ભારત જ્યાં દરેક પાસે પોતાનું ઘરનું ઘર હોય, ગેસનું જોડાણ હોય. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં તાકાતની કોઈ અછત નથી, જરૂર છે તો માત્ર તેને યોગ્ય દિશા આપવાની. અને આ કામ ભારત સરકાર બજેટમાં વિકાસલક્ષી જોગવાઈઓ દ્વારા કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જો અર્થતંત્ર પારદર્શક બનાવવું હોય તો ડીજીટલ ભારત તરફ આગળ વધવું આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે નવી પેઢી પારદર્શકતા ઈચ્છી રહી છે અને ડીજીટલ ટેકનોલોજીને આવકારી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસ માટેની પ્રાથમિક આવશ્યકતા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આજે પ્રતિ દિવસ ૨૪ કિમી રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફાળવણીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી યોજનાઓ દ્વારા એમએસએમઈ ક્ષેત્રે સરકારે ભરેલા પગલાઓ વિશે જણાવ્યું હતું. અમદાવાદના સાંસદ સભ્ય ડૉ. કિરીટ સોલંકીએ બજેટને ગ્રામ્ય અને ખેડૂતલક્ષી બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બજેટ લોભામણી જાહેરાતોથી દુર રહીને, વિકાસને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે.