ત્રાસવાદી તૌકીરને ૨૦ દિનના પોલીસ રિમાન્ડ ઉપર સોંપાયો

1717
guj432018-8.jpg

જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા આંતકવાદી હુમલાની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અને ક્રાઇમબ્રાંચ દ્વારા અમદાવાદ લવાયેલા આરોપી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશીને આજે લોખંડી જાપ્તા વચ્ચે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયાં ન્યાયાધીશ પી.કે.લોટિયાએ આંતકવાદી અબ્દુલસુભાન તૌકીરને ૨૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ અનોલફુલ એકટીવીટીઝ એકટ હેઠળ આંતકવાદી તૌકીરના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે આંતકવાદી તૌકીરના ૨૦ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા, જે ઘણા દિવસના અને મહત્વના મનાઇ રહ્યા છે. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે લોખંડી જાપ્તા સાથે આંતકવાદી અબ્દુલસુભાન તૌકીરને સાબરમતી જેલમાં ખાસ અદાલતમાં રજૂ કર્યો હતો. જેમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે આતંકવાદી તૌકીરના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી તૌકીર પ્રતિબંધિત આંતકવાદી સીમી અને ઇન્ડિયન મુજાહીદ્દીનનો સક્રિય સભ્ય છે અને પોતે રીઢો ગુનેગાર હોવાથી તપાસમાં સાથ સહકાર આપતો નથી. આરોપી તૌકીર અને આ આંતકવાદી સંગઠનના અન્ય સભ્યો એવા આરોપીએ દેશમાં જુદા જુદા રાજયોમાં બોંબ બ્લાસ્ટ કરી આંતકવાદ ફેલાવ્યો છે, તેની તપાસ કરી મહત્વની વિગતો જાણવાની છે તે માટે આરોપીની પોલીસ કસ્ટડી જરૂર છે.  

Previous articleભારતમાં તાકાતની કમી નથી પરંતુ તેને યોગ્ય દિશા આપવાની જરૂર છે : મનસુખ માંડવીયા
Next articleરાજ્યસભાના ઉમેદવારોની પસંદગીની જવાબદારી શાહને સોંપાઈ છે : વાઘાણી