સ્પેનના ફૂટબોલ કલબ બાર્સેલોનાએ સ્ટાર સ્ટ્રાઈકર લિયોનલ મેસી સાથે ૨૦૧૭માં ચાર વર્ષનો કરાર કર્યો હતો. આ વાતનો ખુલાસો કલબના અધ્યક્ષ જોસેપ મારિયા બોરતમેઉએ કર્યો હતો. મારિયા અનુસાર કરાર પ્રમાણે મેસી ગમે ત્યારે ક્લબ છોડીને જઈ શકે છે. તેણે કહ્યું કે, ક્લબ તેના ભવિષ્યને લઈને ચિંતિત નથી. બાર્સેલોના સાથે મેસી પાંચ વાર બેલેન ડી ઑર એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. મારિયાએ બાર્સેલોના ટીવીને કહ્યું હતું કે, મેસીનો કરાર ૨૦૨૦-૨૧ની સીઝન સુધી છે. પરંતુ તે ફાઇનલ સીઝન પહેલા ક્યારેય પણ ક્લબ છોડીને જઈ શકે છે. આ તેવો જ કરાર છે જેવો જાવી, પૂયોલ અને આન્દ્રે એનીએસ્ટા સાથે છે. આ ખેલાડીઓ પાસે આ અધિકાર છે. તે બાર્સેલોના પ્રત્યે સમર્પિત છે. તેમજ આગામી સમયમાં પણ ટીમ સાથે જોડાયેલા રહેશે. મેસીએ બાર્સેલોના માટે ૬૮૭ મેચમાં ૬૦૩ ગોલ કર્યા હતા. આ દરમિયાન તેણે ૨૫૧ ગોલ આસિસ્ટ કર્યા હતા. તેણે ટીમ સાથે ૧૦ લા લિગા ટાઇટલ જીત્યો છે. તેમજ બાર્સેલોનાને ચાર વાર ચેમ્પિયન્સ લીગ જીતવામાં મદદ કરી હતી. તેણે ૬ કોપા ડેલ રે, ૩ કલબ વર્લ્ડ કપ, ૩ યુરોપિયન સુપર લીગ અને ૮ સ્પેનિશ સુપર કપ જીત્યા છે.