મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પીનર અબ્દુલ કાદીરના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. અબ્દુલ કાદીરનું શુક્રવારે ૬૩ વર્ષની વયમાં કાર્ડિયેક એરેસ્ટના કારણે અવસાન થયું હતું. કાદીર અને તેંડુલકરના સંબંધો ખુબ નજીકના અને જુના રહેલા છે. સચિન તેંડુલકરે ૧૬ વર્ષની વયમાં પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસની માહિતી આપતા સચિન તેંડુલકરે અબ્દુલ કાદીરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સચિન તેંડુલકરે પ્રદર્શન મેચમાં કાદીરની બોલિંગ સામે અનેક આક્રમક ફટકા લગાવ્યા હતા. પોતાના ટિ્વટર હેન્ડલ પર સચિન તેંડુલકરે લખ્યું છે કે, અબ્દુલ કાદીરની સામે રમવાની બાબત યાદ છે. કાદીર પોતાના સમયમાં સર્વશ્રેષ્ઠ સ્પીનર તરીકે હતા. તેંડુલકરે ૧૯૮૯માં ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. પેશાવરમાં રમાયેલી એક પ્રદર્શન મેચમાં કાદીરની એક ઓવરમાં સચિને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૧૫૭ રન બનાવ્યા હતા. ભારતને પાંચ ઓવરમાં જીત માટે ૬૯ રનની જરૂર હતી ત્યારે સચિન તેંડુલકરે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. સચિને મુસ્તાક અહેમદની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ કાદીરે કહ્યું હતું કે, બાળકોને વહેલી તકે આઉટ કરવાની કોઇ જરૂર નથી. કાદીરે એ વખતે સચિન તેંડુલકરને તેની બોલિંગમાં છગ્ગો મારીને બતાવવા કહ્યું હતું. કાદીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સચિનને પહેલી વખત રમતા જોતી વેળા જ ખબર પડી ગઈ હતી કે તે ખાસ પ્રતિભા ધરાવે છે. સચિન ઉપરાંત અશ્વિને પણ ટિ્વટ કરીને કાદીરના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. પાકિસ્તાનના મહાન સ્પીનર અબ્દુલ કાદીરના અવસાન પર અમે દુખી છીએ. બે વર્ષ પહેલા જ કાદીરને મળ્યો હોવાની વાત હરભજનસિંહે કરી છે. તેનું કહેવું છે કે, બે વર્ષ પહેલા જ્યારે મળ્યો ત્યારે ભરપુર ઉર્જા તેમાં હતી. એક ચેમ્પિયન બોલર અને શાનદાર માનવી તરીકે હતો. વીવીએસ લક્ષ્મણ અને અન્ય ભારતીય ખેલાડીઓએ પણ અબ્દુલ કાદીરના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. હરભજનસિંહે કહ્યું છે કે, કાદીરના અવસાનને લઇને પાકિસ્તાનમાં એક મોટા ક્રિકેટરનું મોત થયું છે.