જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સહકાર નહીં કરવાની હરકતો જારી રાખવામાં આવી છે. એકબાજુ ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ દ્વિપક્ષીય મોરચે પણ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન એકબાજુ જીવન રક્ષક દવાઓ આપવા ભારત સમક્ષ અપીલ કરી રહ્યું છે. બીજી બાજુ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આઈસલેન્ડ જવા માટે એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું છે કે, ભારતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આઈસલેન્ડની ફ્લાઇટ માટે મંજુરી માંગી હતી પરંતુ પાકિસ્તાને આ મંજુરીને ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૭મી સપ્ટેમ્બર સુધી આઈસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા પર જઈ રહ્યા છે. રામનાથ કોવિંદ સોમવારથી ત્રણ દેશોની યાત્રા ઉપર પહોંચી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું છે કે, ભારતના રાષ્ટ્રપતિને પાકિસ્તાની એરસ્પેસના ઉપયોગની મંજુરી આપવામાં આવી નથી. આ નિર્મય ઉપર વડાપ્રધાન ઇમરાન ખાને મંજુરી આપી છે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરના મોરચા ઉપર તંગદિલીપૂર્ણ સંબંધોના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદ ઇમરાન ખાન સરકાર પર ત્યાંના વિરોધ પક્ષો અને કેટલાક મંત્રીઓ ઉપર ખુબ દબાણ લાવવામાં આવી રહ્યું છે. ભારત માટે પોતાના એરસ્પેસને પાકિસ્તાન બંધ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. અલબત્ત પાકિસ્તાને ભારત માટે પોતાના એરસ્પેસને પૂર્ણરીતે બંધ કરવાને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને મંજુરી નહીં આપીને પાકિસ્તાને પોતાના ઘાતક ઇરાદા જાહેર કરી દીધા છે. પાકિસ્તાન દ્વારા સંબંધ સુધારવાના કોઇ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. કુરેશીએ કહ્યું છે કે, મોદી સરકાર દ્વારા કાશ્મીરના મુદ્દા પર કઠોર વલણ ગંભીર મુદ્દો છે.
તે આને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં પણ રજૂ કરશે. પુલવામા ત્રાસવાદી હુમલા બાદ ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશે મોહમ્મદના સૌથી મોટા ત્રાસવાદી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની કાર્યવાહી બાદથી પાકિસ્તાને પોતાના એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મોડેથી પાકિસ્તાને ૨૭મી માર્ચના દિવસે ભારત માટે પોતાના એરસ્પેસને આંશિકરીતે ખોલવાનો નિર્ણય કર્યો હતો. તે વખતે નવી દિલ્હી, બેંગ્કોક અને ક્વાલાલમ્પુર ખાતે ફ્લાઇટોને બાદ કરીને પાકિસ્તાને તમામ ફ્લાઇટો માટે પોતાના એરસ્પેસને ખોલવાની જાહેરાત કરી હતી. ૧૬મી જુલાઈના દિવસે પાકિસ્તાને તમામ સિવિલિયન ટ્રાફિક માટે પોતાના એરસ્પેસને ખોલવાની જાહેરાત કરી હતી. ભારતની સાથે વેપારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર તરફથી કરવામાં આવી ચુક્યો છે પરંતુ પાકિસ્તાને દવાઓનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં જીવન રક્ષક દવાઓની જોરદાર અછત પ્રવર્તી રહી છે. કોવિંદ સોમવારથી ત્રણ દેશોની યાત્રાએ રવાના થઇ રહ્યા છે. આ ગાળા દરમિયાન તેઓ આ દેશોની સાથે આર્થિક અને રાજકીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરશે.