બેંક પોતાના સેવિંગ્સ એકાઉન્ટના ગ્રાહકોને દર મહિને એટીએમથી કેટલાક પ્રમાણમાં ફ્રી ટ્રાન્ઝિકેશનની મંજુરી આપે છે ત્યારબાદ તેઓ ચાર્જની વસુલી કરે છે. અલબત્ત હવે ભારતીય રિઝર્વ બેંકે એટીએમથી એવા ટ્રાન્ઝિક્શનની યાદીને સ્પષ્ટ કરી છે જેના પર બેંક ચાર્જ વસુલ કરી શકે નહીં. આરબીઆઈએ ૧૪મી ઓગસ્ટના દિવસે એક જાહેરનામુ જારી કરીને કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં એવી વાત આવી છે કે, ટેકનિકલ કારણોસર અથવા તો એટીએમમાં રોકડ ન હોવાની સ્થિતિમાં બેંકો આવી ટ્રાન્ઝિક્શનને ફ્રી એટીએમ ટ્રાન્ઝિક્શનની ગણતરીમાં ગણી લે છે. આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એવા એટીએમ ટ્રાન્ઝિક્શન જે ટેકનિકલ કારણોસર જેમ કે હાર્ડવેર, સોફ્ટવેર, કોમ્યુનિકેશન સંબંધિત મુદ્દાઓના કારણે ફેઇલ થઇ જશે તેમને વેલિડ એટીએમ ટ્રાન્ઝિકશન ગણી શકાશે નહીં. બેંકો આ ફેઇલ એટીએમ ટ્રાન્ઝિક્શન પર ચાર્જ વસુલ કરી શકે નહીં. ઇનવેલિડ ટ્રાન્ઝિક્શનનો મતલબ એ છે કે તેમને બેંકો દ્વારા મળેલા ફ્રી ટ્રાન્ઝિક્શનની ગણતરી કરવી જોઇએ નહીં.
અન્ય એટીએમ ટ્રાન્ઝિક્શનને જે રોકડ નહીં થવાની સ્થિતિમાં, ઇનવેલિડ પીન નંબર અથવા તો વેલિડેશન અથવા સેવા આપનાર દ્વારા અસ્વીકાર કરવામાં આવે છે તેમને વેલિડ ટ્રાન્ઝિક્શન તરીકે ગણી શકાશે નહીં. એટીએમે નોન કેસ વિડ્ર્ોઅલ જેવી બેલેન્સ ઇન્કવાયરી, ચેકબુક રિક્વેસ્ટ, ટેક્સ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરને પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝિક્શનની ગણતરીમાં લઇ શકાય નહીં. આરબીઆઈના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, માર્ચ ૨૦૧૯ના અંત સુધી દેશમાં એટીએમની કુલ સંખ્યા ૨.૨૨ લાખ હતી જ્યારે છેલ્લા વર્ષમાં આ સંખ્યા ૨.૨૧ લાખ હતી.