કઠોર ટ્રાફિક નિયમના સંદર્ભે મળનારી બેઠક મુલતવી રહી

697

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં પણ આ નવા નિયમો અને જોગવાઇ અનુસાર આકરા દંડની વસૂલાતનો અમલ આગામી દિવસોમાં શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ જોરદાર ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઇ હવે લોકો સોશ્યલ મીડિયાના સહારે ગુજરાતની જનતા મોટર વ્હીકલ એક્ટનો ઉગ્ર વિરોધ કરી રહી છે. બીજીબાજુ, ગુજરાત સરકાર આ એક્ટ લાગુ કરવા અંગે અવઢવમાં છે. જેને પગલે સીએમ હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી. આ અંગે આજે મળનારી બેઠક પણ મુલતવી રાખી છે. ટ્રાફિકના નિયમનો ભંગના કિસ્સામાં ભારત સરકારના નોટિફિકેશન મુજબ દંડની રકમમાં સુધારો કરવા સીએમ હાઉસમાં મુખ્યમંત્રી રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંધ, વાહન વ્યવહાર અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગઇકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બેઠકમાં જૂના અને નવા નિયમો વચ્ચેના તફાવત, અન્ય રાજ્યોમાં નવા નોટિફિકેશન સંદર્ભે ચાલી રહેલી કવાયત તેમજ રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ સબબ નોંધાયેલા ગુના અને દંડ વસૂલાતની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. જેના આધારે દરખાસ્ત તૈયાર કરવા મુખ્યમંત્રી સ્તરેથી વાહન વ્યવહાર અગ્ર સચિવને સૂચના અપાઈ છે. તો, ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીએ પણ રવિવારે તાકીદની મિટિંગ બોલાવી છે, કમિટીનું કહેવું છે કે, જંગી દંડ સામે રિક્ષા ચાલકોમાં ભય ફેલાયો છે, આગામી તા.૧૦મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનું પણ નક્કી કરાયું છે.

જો સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો રાજ્યવ્યાપી રિક્ષા હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત કોંગ્રેસે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ટ્રાફિક નિયમન, અકસ્માત નિવારણ માટે દંડનીય રકમ નાગરિકો પર લાગુ પાડતાં પહેલાં ગુજરાત વહીવટી તંત્રની બેજવાબદારી પર દંડનીય રકમના નિયમો જાહેર કરવાની માગણી કરી છે. કોંગ્રેસ તરફથી પ્રજાની મુશ્કેલી અને હાલાકીને ધ્યાનમાં લઇ યોગ્ય વ્યવહારૂ અભિગમ અપનાવવા ખાસ અનુરોધ કર્યો છે કે જેથી સામાન્ય માણસ પર વધુ પડતો કોઇ આર્થિક બોજો ના પડે.

Previous articleપીએમ નરેન્દ્ર મોદી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી સાબરમતી આશ્રમમાં ઉજવશે
Next articleસૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં મેઘ મહેર : ૭ ઇંચ વરસાદ