આગામી આઈસીસી મહિલા ટી-૨૦ વિશ્વ કપના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. થાઈલેન્ડ અને બાંગ્લાદેશે રવિવારે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ કરવાની સાથે આ વૈશ્વિક ફ્લેગશિપ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોના નામ નક્કી થઈ ગયા છે.
બાંગ્લાદેશની મહિલા ટીમે સ્કોટલેન્ડમાં આયોજીત ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં જીત હાસિલ કરી અને તે વિશ્વ કપ માટે ગ્રુપ-એમા સામેલ થી છે. આ ગ્રુપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ છે. બીજીતરફ ૧૨ વર્ષ પહેલા પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી થાઈલેન્ડની ટીમે વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કરીને ઈતિહાસ રચી દીધો છે.
આ ટીમને ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની સાથે રાખવામાં આવ્યું છે. આઈસીસી વિશ્વ કપ ૨૦૨૦ લોકલ ઓર્ગેનાઇઝિંગ કમિટિના સીઈઓ નિક હાક્લેએ પોતાના નિવેદનમાં કહ્યું, ’અમે ઓસ્ટ્રેલિયામાં થનારા આ વૈશ્વિક આયોજનમાં બાંગ્લાદેશ અને થાઇલેન્ડનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે તમામ ટીમોને ઓસ્ટ્રેલિયામાં ભરપૂર પ્રેમ અને સમર્થન મળશે.’
થાઈલેન્ડની ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી પરંતુ તેણે બાંગ્લાદેશના હાથે ૭૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે થાઈ ટીમ પોતાની પ્રથમ મેચમાં ૨૨ ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે.
બીજીતરફ બાંગ્લાદેશ ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ ૨૭ ફેબ્રુઆરીએ રમાશે. વેસ્ટ ઈન્ડિઝમાં ૨૦૧૮મા આયોજીત પાછલા ટી૨૦ વિશ્વ કપમાં ભાગ લેનારી ટીમોમાંથી ટોપ-૮ ટીમોને આગામી વિશ્વ કપ માટે સીધો પ્રવેશ મળ્યો છે.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો સામનો ૨૧ ફેબ્રુઆરીએ યજમાન ઓસ્ટ્રેલિયા સામે થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેલબોર્નમાં ૮ માર્ચે રમાશે. આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.