કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ તમિલનાડુના કોયંબતૂરમાં જણાવ્યુ કે, ’આયુષ મંત્રાલય ગૌમૂત્રથી અલગ-અલગ રોગોની દવાઓ બનાવવા પર કામ કરી રહ્યુ છે. ગૌમૂત્રથી ઘણા પ્રકારની દવાઓ તૈયાર કરવામાં આવે છે. કેન્સર જેવી બિમારીઓની દવા પણ ગૌમૂત્રથી તૈયાર થઇ જશે, જે માટે કેન્દ્ર સરકારે ગૌસંવર્ધન અને ગોપાલન માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આગળ કહ્યુ કે, સ્વાસ્થ્ય મંત્રાલય કેન્સરના સારવારને આયુષ્માન યોજનામાં શામેલ કરવા પર વિચાર કરી રહ્યુ છે. તમને જણાવી દઇએ કે, અશ્વિની કુમાર ચૌબે શ્રી રામકૃષ્ણ હોસ્પિટલમાં ’કેન્સર વિરુદ્ઘ જંગ’ અભિયાનની શરૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે, કેન્સરની સારવારને હજુ સુધી આયુષ્માન યોજનામાં શામેલ કેમ નથી કરવામાં આવી ત્યારે તેમણે કહ્યુ કે, પહેલા ૩ પ્રકારના કેન્સરની સારવાર એક યોજના હેઠળ આપવામાં આવી રહી છે.
કેન્સર વિશે વાત કરતા સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ જણાવ્યુ કે, આ પ્રકારની બિમારી દુનિયાભર માટે એક પડકાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૩૦ સુધી આ પ્રકારની બિમારીઓથી દેશ મુક્ત થાય તે માટે લક્ષ્ય રાખ્યો છે, જેને સ્વાસ્થ્ય મંત્રાલય સફળતા પૂર્વક પૂરો કરશે.