અમદાવાદના ભાટ ગામમાં રહેતા રિટાયર્ડ આર્મીમેન ઠગાઇનો ભોગ બન્યા છે. ગોવામાં રિસોર્ટમાં રોકાણ કરવાનું કહી બે શખ્સો તેમની પાસેથી બે લાખ રૂપિયા પડાવી લેતાં શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાટ ગામમાં રહેતા બિનયકુમાર શિયાશરણ આર્મીમાંથી નિવૃત્ત થઇ પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૬માં ફ્લેટમાં રહેતા અરવિંદભાઇ સાથે તેઓ બહાર ગયા હતા. ત્યારે ત્યાં દીપક આહુજા અને પ્રકાશ આહુજા સાથે તેમની મુલાકાત થઇ હતી. આ બંને શખ્સોએ પોતાનો ગોવામાં ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડે હોવાનું જણાવી બિનયકુમારને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં આ રિસોર્ટના ધંધામાં રોકાણ કરવાનું કહી બે વર્ષમાં બે લાખ રૂપિયા મેળવી લીધા હતા.દરમિયાન પૈસા લીધા પછી બે વર્ષ સુધી બંને શખ્સોએ ગલ્લાંતાલ્લાં કરતા આખરે કંટાળીને બિનયકુમારે શાહીબાગ પોલીસ મથકમાં બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને શાહીબાગ પોલીસે બંને શખ્સોની અમદાવાદ ખાતેની ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરી છે.