વનવિભાગની વિસાવદર રેન્જના જંગલમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું મોત ૭ દિવસ પહેલાં થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. સિંહ યુવાન વયનો હોવાનું વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. વનવિભાગની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડની મુંડીયા રાવણી બીટના જંગલમાં આજે બીટ ગાર્ડને એક સિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહની સ્થિતિ જોતાં સિંહે આશરે ૭ દિવસ પહેલાં અંતિમશ્વાસ લીધા હોવાનું માલુમ પડ્યું હતું.
આ મૃતદેહ મોણવેલની ફૂલવાડી વિડીમાંથી મળી આવ્યો હતો. આ અંગે બીટ ગાર્ડે ઉચ્ચ અધીકારીઓને જાણ કરતાં વિસાવદર અને પાણીયા રેન્જનાં આરએફઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મૃતદેહનું પંચ રોજકામ કરી મૃતદેહનું કારણ જાણવા વેટરનરી ડોક્ટર સહિતની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. મૃતક સિંહની ઉમર આશરે ૫થી ૯ વર્ષની હોવાનું વેટરનરી તબીબોએ અનુમાન કર્યું હતું. જો કે, સિંહના શરીર પર ઇજાઓ કે ઇન્ફાઇટનાં નિશાનો છે કે, કોઇ રોગને લીધે તેનું મોત થયું છે એ જાણવા વનવિભાગે તેના વિશેરા એફએસએલને મોકલી આપ્યા હતા. અને ઘટનાસ્થળે પીએમ કરી અગ્નિસંસ્કાર માટેની તજવીજ હાથ ધરી છે.