શહેરનાં કારેલીબાગ ખાતે રૂબી જીમખાનામાંથી શનિવારે મોડી રાતે ક્રાઇમ બ્રાંચે ૫૦ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યાં છે. ત્યાંથી ૨૦ બાઇક, ૫ કાર અને ૩.૫૦ લાખ રોકડ અને ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સારા ગણાતા કારેલીબાગમાં રૂબી જીમખાના ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચ પાસે ઘણાં સમયથી બાતમી મળી હતી કે આ જીમખાનામાં જુગારધામ ચાલે છે. જુગારધામ ચલાવતો અનવર સિંધી પોલીસ ગિરફતમાં આવતો ન હતો. પરંતુ શનિવારે મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી ૫૦ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ૩ લાખથી વધુ રોકડ ઝડપી પાડી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી જે.ડી જાડેજાનું કેહવું છે કે આ જુગારીઓને રંગે હાથ ઝડપવા માટે અમારી ૧૫ દિવસથી મહેનત ચાલતી હતી. જેમાં અમને સફળતા મળી છે. રૂબી જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં. પોલીસનું કેહવું છે કે અનવર સિંધી આ જુગારધામ નો મુખ્ય આરોપી છે. તેની સાથે સલીમ ગોલાવાલા પણ સામેલ છે. પરંતુ દરોડાનાં ૧ કલાક પહેલા જ સાલીમ ભાગી ગયો છે. હાલ પોલીસે ફરાર લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચ હાલ તમામ ઝડપાયેલા જુગારીઓ પર જુગારની કલમ હેઠળની કાર્યવાહી કરશે. હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે કે આ જીમખાનામાં કેટલા સમયથી જુગારધામ ચાલતું હતું.